ગુજરાતમાં IAS બાદ હવે IPS અધિકારીઓની બદલીનું લીસ્ટ તૈયાર…

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીઓ નજીકમાં છે ત્યારે રાજકારણની સાથે ગુજરાતનાં બ્યુરોક્રસીમાં પણ બદલીનો ગંજીફો ચિપાવાનો શરૂ થઇ ચુક્યો છે. હાલમાં જ રાજ્યમાં 77 જેટલા IAS અધિકારીઓની બદલી થઇ ચુકી છે. જો કે હવે ફરી એક વખત 60 જેટલા આઇપીએસ અધિકારીઓની બદલીનો ગંજીફો ચિપાય તેવી શક્યતા સેવાઇ રહી છે. વહીવટી તંત્રમાં ફેરફાર બાદ હવે પોલીસ બેડામાં પણ મોટા પરિવર્તનની શક્યતાઓ સેવાઇ રહી છે. ચૂંટણી પહેલા જિલ્લા પોલીસ વડા, શહેર પોલીસ કમિશ્નરો અને પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓમાં બદલીઓની શક્યતા છે.

ગૃહ વિભાગના સુત્રો અનુસાર 60 થી વધારે આઇપીએસ અધિકારીઓની બદલીની શક્યતા છે. આ ઉપરાંત 6 જેટલા અધિકારીઓને બઢતી પણ આપવામાં આવે તેવી શક્યતા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની હાલની જ ગુજરાત મુલાકાત બાદ પોલીસ વિભાગમાં મોટી ફેરબદલની શક્યતા છે. જો કે હાલમાં રથયાત્રા હોવાના કારણે બદલીની પ્રક્રિયા હોલ્ડ પર મુકવામાં આવી છે.

પોલીસ વિભાગમાં આઇપીએસ અધિકારીઓ ઉપરાંત ડીવાયએસપી, પોલીસ ઇન્સપેક્ટર અને પોલીસ સબ ઇન્સપેક્ટર સહિતનું સમગ્ર પોલીસ માળખું ફેરવાય તેવી શક્યતા છે. આગામી વિધાનસભા ચૂંટણીને અનુલક્ષી આગામી સમયમાં અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર અને ભાવનગર સહિત શહેરોમાં પોલીસવડાથી માંડીને પીઆઇ સુધી બદલીઓનો દોર થાય તેવી શક્યતા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *