ટ્વિટરે નકશામાં જમ્મુ કાશ્મીર, લદાખને ભારતથી અલગ દેશ દર્શાવતા વિવાદ

ટ્વિટરે ભારતના નકશામાંથી જમ્મુ-કાશ્મીર અને લદાખને ગાયબ કરી દીધું હતું. વર્લ્ડ મેપની કેટેગરીમાં ટ્વિટરે જમ્મુ-કાશ્મીર અને લદાખને અલગ દેશ ગણાવતા ભારે હોબાળો થયો હતો. દેશભરના યુઝર્સે ટ્વિટર સામે આકરાં પગલાં ભરવાની માગણી કરી હતી.
ટ્વિટર અને કેન્દ્ર સરકાર વચ્ચે નવા આઈટી કાયદાનો વિવાદ ચાલી રહ્યો છે. એ દરમિયાન ટ્વિટરે વધુ એક વિવાદ સર્જ્યો હતો. ટ્વિટરે વર્લ્ડ મેપની કેટેગરીમાં ભારતમાંથી જમ્મુ-કાશ્મીર અને લદાખને અલગ દર્શાવ્યું હતું. ટ્વિટરે ભારતના નકશામાં છેડછાડ કરીને જમ્મુ-કાશ્મીર અને લદાખને અલગ દેશ ગણાવ્યો હતો.
ટ્વિટરના કરિયર પેજમાં ટ્વીપ લાઈફ સેક્શનમાં વર્લ્ડ મેપ છે. એમાં ભારતનો ખોટો નકશો બતાવાયો હતો. મેપમાં સ્પષ્ટ રીતે જમ્મુ-કાશ્મીર અને લદાખને ભારતની સરહદથી અલગ બતાવાયા હતા. અગાઉ પણ એક વખત ટ્વિટરે લદાખને ચીનનો ભાગ ગણાવીને વિવાદ ખડો કર્યો હતો. તે વખતે ભારતે વિરોધ નોંધાવતા ટ્વિટરે એ વિવાદાસ્પદ નકશો હટાવી દીધો હતો.
ટ્વિટરની આ હરકતથી દેશભરના યુઝર્સમાં રોષ ફેલાયો હતો. લોકોએ તાત્કાલિક અસરથી ટ્વિટર સામે આકરી કાર્યવાહી કરવાની માગણી કરી હતી. લોકોએ આરોપ મૂક્યો હતો કે પાકિસ્તાન અને ચીન જેવા દેશોને ફાયદો કરાવવા માટે ટ્વિટરે આ હરકત કરી છે અને તેનો દંડ તો થવો જ જોઈએ. ભારતમાં ટ્વિટરબેન હેશટેગથી હજારો ટ્વિટ્સ થઈ હતી.
નવા આઈટી કાયદાને લઈને કેન્દ્ર સરકાર અને ટ્વિટર વચ્ચે ઘણાં વખતથી વિવાદ ચાલી રહ્યો છે. એની વચ્ચે વિવાદે વધુ એક વખત વિવાદ સર્જતા કેન્દ્ર સરકારે આકરાં પગલાં ભરવાના સંકેતો આપ્યા હતા. આઈટી મંત્રાલયના અધિકારીને ટાંકીને રજૂ થયેલા અહેવાલોમાં દાવો કરાયો હતો કે મંત્રાલયે આ ઘટનાની બહુ જ ગંભીરતાથી નોંધ લીધી છે અને તે બાબતે કેવા પગલાં ભરી શકાય તે માટે નિષ્ણાતોની સલાહ લેવામાં આવી રહી છે. કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં ટ્વિટરના સીઈઓને નોટિસ પાઠવશે એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી.
ભારતના આઈટી મંત્રી રવિશંકર પ્રસાદના એકાઉન્ટને એક કલાક માટે બંધ રાખ્યા પછી ટ્વિટરે વધુ એક વિવાદ સર્જતા ફરીથી સરકાર અને ટ્વિટર વચ્ચે તંગદિલી વધશે તે નક્કી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *