ધો.10નું માસ પ્રમોશન : 8.57 લાખ વિદ્યાર્થી પાસ,17 હજારથી વધુને ‘A1’ ગ્રેડ

અમદાવાદ : ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધો.10નું માસ પ્રમોશન મુજબનું પરિણામ આજે જાહેર કરવામા આવ્યુ છે. જે બોર્ડના ઈતિહાસમા પ્રથમવાર 100 ટકા જેટલુ  રહેતા આ વર્ષના તમામ નિયમિત 8.57 લાખથી વધુ વિદ્યાર્થી પાસ થયા છે.ગત વર્ષથી 3.76 લાખ વિદ્યાર્થી વધુ પાસ થયા છે અને આ વર્ષે 17 હજારથી વધુ વિદ્યાર્થીએ એ-1 ગ્રેડ મેળવ્યો છે.

કોરોનાને લીધે ગુજરાત સરકારે આ વર્ષે ધો.10 અને 12ની બોર્ડ પરીક્ષાઓ રદ કરી દીધી છે.જેમાં ધો.10માં માસ પ્રમોશન જાહેર કરવામા આવ્યુ છે અને ધો.10નું પરિણામ ધો.9ની પ્રથમ સત્ર અને  દ્રિતિય સત્ર પરીક્ષા તેમજ ધો.10નું પ્રથમ સત્ર પરીક્ષા અને એકમ કસોટીના આધારે કુલ માર્કસની ગણતરી કરીને સ્કૂલો દ્વારા તૈયાર કરાયુ છે અને જેને બોર્ડ દ્વારા ફાઈનલ કરીને આજે જાહેર કરવામા આવ્યુ છે.

આ પરિણામ મુજબ આ  વર્ષે કુલ નિયમિત વિદ્યાર્થીઓ 857204 છે અને જે તમામ સરકારની માસ પ્રમોશનની પોલીસી મુજબ પાસ જાહેર થયા છે.જેમાં 4,90,482 છોકરાઓ અને 3,66,722 છોકરીઓ છે.

આ વર્ષે માસ પ્રમોશનને લીધે એક પણ વિદ્યાર્થી નાપાસ ન કરવાનો હોવાથી ડી સુધીના જ ગ્રેડ જાહેર કરવામા આવ્યા છે અને ઈ તેમજ ઈ1 ગ્રેડ જાહેર કરાયા નથી. ડી ગ્રેડ 33થી 40 માર્કસ સુધીની રેન્જ દર્શાવે છે જ્યારે 21થી32 માર્કસ સુધીના વિદ્યાર્થીઓ દર વર્ષે ઈ1 ગ્રેડમાં જાહેર કરાતા હોય છે જેઓ નાપાસ ગણવામા આવે છે. પરંતુ આ વર્ષે તમામ વિદ્યાર્થીઓ 33 માર્કસ કે તેથી વધુના છે.

ગત વર્ષે 4,80,845 વિદ્યાર્થી પાસ થતા નિયમિત વિદ્યાર્થીઓનું પરિણામ 60.64 ટકા રહ્યુ હતુ ત્યારે આ વર્ષે નિયમિત વિદ્યાર્થીઓની કેટેગરીમાં 857204 વિદ્યાર્થી પાસ થતા ગત વર્ષથી 3,76,359 વિદ્યાર્થી વધુ પાસ થયા છે.ગત વર્ષે એ1 ગ્રેડમાં માત્ર 1671 વિદ્યાર્થી હતા ત્યારે આ વર્ષે 17186 વિદ્યાર્થીઓ છે. ગત વર્ષે એ2 ગ્રેડમાં 23754,બી1માં 58128,બી2માં 105971,સી1માં 159108, સીટુ ગ્રેડમાં 118230 અને ડી ગ્રેડમાં 13977 વિદ્યાર્થી હતા.

ગ્રેડ પ્રમાણે વિદ્યાર્થીઓ 

ગ્રેડ

વિદ્યાર્થી

એ-1

17,186

અ-ે2

57,362

બી-1

1,00,973

બી-2

1,50,432

સી-1

1,85,266

સી-2

1,72,253

ડી

1,73,372

માસ પ્રમોશનની અસર: આ વર્ષે વિદ્યાર્થિનીઓ ઓછી પાસ 

માસ પ્રમોશનના પરિણામની અસરને લીધે આ વર્ષે નિયમિત વિદ્યાર્થીઓમા છોકરાઓ વધુ પાસ છે.દર વર્ષે બોર્ડ પરીક્ષામાં નિયમિત ઉમેદવાોરમાં છોકરાઓ વધુ નોંધાય છે અને છોકરીઓ ઓછી નોંધાય છે.પરંતુ પરિણામમાં હંમેશા છોકરાઓ કરતા છોકરીઓ વધુ પાસ થતા છોકરીઓનું પરિણામ વધુ આવે છે.પરંતુ આ વર્ષે નિયમિત વિદ્યાર્થીઓમાં માસ પ્રમોશનથી તમામ પાસ થતા છોકરાઓ વધુ અને છોકરીઓ ઓછી છે.

સવારે 8ને બદલે રાત્રે 8 વાગે રિઝલ્ટ જાહેર કર્યુ , વેબસાઈટ ક્રેશ 

ગુજરાત બોર્ડ દ્વારા પ્રથમવાર સવારે 8ને બદલે રાત્રે આઠ વાગે પરિણામ જાહેર કરાયુ છે.હંમેશા ઓનલાઈન પરિણામ સવારે આઠ વાગે વેબસાઈટ પર મુકાતુ હોય છે ત્યારે આ વર્ષે અચાનક રાત્રે આઠ વાગે કેમ જાહેર કરવુ પડયુ ?વિદ્યાર્થીઓ પાસે સીટ નંબર ન હોવાથી તેઓ ઓનલાઈન પરિણામ જોઈ શકે તેમ  ન હતા

અને માત્ર સ્કૂલોએ જ પોતાના વિદ્યાર્થીઓનું ઓનલાઈન પરિણામ જોવાનુ હતુ ત્યારે રાત્રે તો સ્કૂલો જ બંધ હોય તો પછી રાત્રે કેમ પરિણામ જાહેર કરાયુ.પરિણામ ઓનલાઈન જોવા મળશે તેમ સમજીને રાત્રે 8 વાગ્યા પછી લાખો વિદ્યાર્થી-વાલીઓએ એક સાથે બોર્ડની વેબસાઈટ ખોલવાનું શરૂ કરતા બોર્ડની વેબસાઈટ થોડા સમય માટે ક્રેશ થઈ ગઈ હતી અને સર્વર ડાઉન થતા ખુલતી જ ન હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *