આપ ગુજરાતના ઈસુદાન ગઢવી અને મહેશ સવાણી પર જૂનાગઢના વિસાવદર તાલુકામાં હુમલાની ઘટના બની છે. અજાણ્યા શખ્સોએ ઈસુદાન ગઢવી (isudan gadhvi) અને મહેશ સવાણી (mahesh savani) ની ગાડી પર હુમલો કર્યો હતો. જેમાં ગાડીઓમાં તોડફોડ કરાઈ છે અને બે લોકોને ઈજાગ્રસ્ત કરાયા છે. આ ઘટનાના પડઘા દિલ્હી સુધી પડ્યા છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ આ અંગે ટ્વીટ કરીને તેને વખોડ્યો છે તેમજ હુમલાખોરો સામે પગલા લેવા કહ્યુ છે.
હુમલો ક્યા અને કેવી રીતે કરાયો
વિસાવદર તાલુકાના લેરિયા ગામે ગઈકાલે આપ (AAP) દ્વારા સભાનું આયોજન કરાયું હતું. આપના જનસંવેદના યાત્રાના કાફલા પર હુમલો કરાયો હતો. જ્યાં હાજરી આપવી નેતા ઈસુદાન ગઢવી અને મહેશ સવાણી પહોંચ્યા હતા. આ દરમિયાન ચારથી પાંચ જેટલા અજાણ્યા શખ્સો તેમના પર તૂટી પડ્યા હતા. તેમની ગાડીના કાચ તોડાયા હતા અને પથ્થરમારો કરાયો હતો. આ ઘટનામાં ચારથી પાંચ ગાડીઓને નુકસાન પહોંચ્યુ છે. તેમજ બે લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઘટના બાદ લેરિયા ગામનો કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવ્યો હતો.
આપ દ્વારા આ હુમલો ભાજપના ઈશારે કરાયો હોવાનો આરોપ મૂકાયો છે. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આપની ધમાકેદાર એન્ટ્રી અને વધી રહેલા જનાધારના કારણે ભાજપ ડરી ગઈ હોવાનો દાવો આપના નેતાઓ દ્વારા કરાયો છે. તો આ અંગે ઈસુદાન ગઢવીએ કહ્યુ કે, ભાજપ પ્રેરિત ગુંડાઓએ આ હુમલો કર્યો છે.
તો બીજી તરફ ભાજપ દ્વારા કહેવાયુ કે, આપ દ્વારા પ્રસિદ્ધિ માટે જાણી જોઈને હુમલો કરાયો છે. ગુજરાતના બિહાર જેવુ ચિતરવા જાતે જ હુમલો કરાવ્યો છે.
ગુજરાતમા કોઈ સુરક્ષિત નથી – કેજરીવાલ
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) એ આ હુમલા વિશે કહ્યું કે, ‘ઈશુદાન અને મહેશભાઈ જેવા લોકો પર હુમલો થાય છે તો ગુજરાતમાં કોઈ જ સુરક્ષિત નથી. સાથે જ તેઓએ ભાજપ સરકાર પર આક્ષેપ કરતા કહ્યું કે આ હિંસા તમારો ગભરાટ છે, તમારી હાર છે. લોકોને સારી સગવડ દઈને તેનું દિલ જીતો, વિપક્ષ પર હુમલો કરીને તેમને ડરાવો નહીં. આ લોકો ડરવાના નથી. ગુજરાતની રાજનીતિ પણ હવે ગુંડરાજ વધી રહ્યુ છે. એકબીજા પર શાબ્દિક પ્રહારોને બદલે હવે હુમલાઓનો સહારો લેવામાં આવી રહ્યો છે.