લાંબા સમયથી રાહ જોયા બાદ ફાઈનલી ‘બેટલગ્રાઉન્ડ્સ મોબાઈલ ઈન્ડિયા’ ભારતમાં ઓફિશિયલી લોન્ચ થઈ છે. આ ગેમ હવે પ્લે સ્ટોર પર તમામ યુઝર્સ માટે અવેલેબલ છે. ટૂંક સમયમાં તેને iOS યુઝર્સ માટે પણ લોન્ચ કરવામાં આવી શકે છે. કંપનીએ આ પહેલાં ટેસ્ટિંગ માટે બીટા વર્ઝન રિલીઝ કર્યું હતું. હવે ગેમ ઓફિશિયલી લોન્ચ થઈ છે.
જો તમે આ ગેમનું પ્રી-રજિસ્ટ્રેશન નથી કર્યું તો તમે પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકો છો. પ્રી- રજિસ્ટ્રેશન કરેલા યુઝર્સે જો ગેમમાં નવું અપેડેટ આવ્યું હોય તો એ ઈન્સ્ટોલ કરવું પડશે.
- તમારા એન્ડ્રોઇડ ફોન અથવા ટેબ્લેટમાં ગૂગલ પ્લે સ્ટોર ઓપન કરો.
- સર્ચ બારમાં જઈને ‘Battlegrounds Mobile India’ ટાઈપ કરો. હવે રિઝલ્ટમાં આ ગેમ શો થશે.
- હવે વાઈફાઈ કે ઈન્ટરનેટ કનેક્શનનો ઓપ્શન સિલેક્ટ કરી એને ઈન્સ્ટોલ કરો.
- આ ગેમની સાઈઝ 721MB છે.
- એન્ડ્રોઈડ 5.1 અને એની ઉપરનાં તમામ વર્ઝન ધરાવતા ડિવાઈસમાં આ ગેમ સપોર્ટ કરશે. 2GB રેમ અને એનાથી વધુ રેમ ધરાવતા સ્માર્ટફોનમાં ગેમ રમી શકાશે.
નવી PUBGમાં શું મળશે?

બેટલગ્રાઉન્ડ્સ મોબાઈલ ઈન્ડિયામાં ઓરિજિનલ ગેમ કરતાં કેટલાક ફેરફાર કરવામાં આવ્યા છે. PUBG મોબાઈલની સરખામણીએ એમાં ગ્રાફિક્સ થોડાં ઓછા મજેદાર મળશે. જૂની PUBGની જેમ જ આ ગેમમાં મેપ, હથિયાર, ગેમ મિકેનિક્સ મળે છે. ફરક માત્ર એટલો છે કે એને ભારતીય યુઝર્સ માટે ફરી પેક કરવામાં આવ્યાં છે. હવે લોહીનો રંગ લાલને બદલે લીલા કલરનો થયો છે. ગેમની ઉપર જીવિત ખેલાડી અને યુઝર દ્વારા મારી નાખવામાં આવેલા ખેલાડીઓની સંખ્યા જોવા મળે છે.
PUBG મોબાઈલ ડેટા એક્સેસ કરી શકાશે

યુઝર્સને એ વાતની ચિંતા હતી કે જૂની ગેમ્સનો ડેટા નવી ગેમમાં મળશે કે કેમ. નવા અવતારમાં લોન્ચ થયેલી PUBGમાં જૂની PUBGનો ડેટા એક્સેસ કરી શકાશે. ડેટા ટ્રાન્સફર થયા બાદ યુઝર જૂની ગેમ જ્યાંથી છોડી હતી ત્યાંથી ફરી શરૂ કરી શકશે.
અત્યારસુધી આ ગેમને 50 લાખથી વધારે વખત ડાઉનલોડ કરવામાં આવી છે. આ ગેમ 16+ યુઝર્સ માટે રેટેડ છે. ગણતરીના કલાકોમાં ગેમને 4.8 સ્ટાર રેટિંગ મળ્યું છે. આ ગેમ માઈક્રોફોન, સ્ટોરેજ, બ્લુટૂથ સેટિંગ, વ્યૂ વાઈફાઈ કનેક્શન જેવી પરમિશન માગે છે.
કંપની યુઝર્સ ડેટા ચીન મોકલતી હોવાનો આરોપ
થોડા દિવસ પહેલાં જ ઈન્ડિયન ડેડિકેટેડ બેટલગ્રાઉન્ડ્સ મોબાઈલ ઈન્ડિયા વિવાદોમાં સંપડાઈ હતી. IGN નામની અમેરિકન વેબસાઈટે દાવો કર્યો હતો કે આ ગેમ ડેટા ચીનના કેપિટલ બીજિંગમાં મોકલી રહી છે. APK ફાઈલથી ગેમ રમી રહેલા યુઝર્સની પ્રાઈવસીને જોખમ છે. વિવાદ વધુ ઉગ્ર બનતાં દેશમાં આ નવા અવતારમાં લોન્ચ થવા જઈ રહેલી ગેમને પણ બૅન કરવાની માગ ઊઠી હતી.
ગયા વર્ષે બૅન થઈ હતી PUBG
ગયા વર્ષે સરકારે PUBG સહિત 117 એપ્સ દૂર કરી હતી. ડેટા સિક્યોરિટીને ધ્યાનમાં રાખી સરકારે આ નિર્ણય લીધો હતો. ત્યાર બાદ ક્રાફ્ટને ટેન્સેન્ટ સાથે પાર્ટનરશિપ તોડી ભારતીય યુઝર્સ માટે નવી ગેમ લોન્ચ કરવાની વાત કહી હતી. કંપનીએ કહ્યું હતું કે ભારતના નિયમનું પાલન થશે અને યુઝર્સના ડેટા ભારતમાં જ રાખવામાં આવશે. હવે ફાઈનલી આ ગેમ લોન્ચ થઈ છે. કંપનીએ નવા અવતારમાં લોન્ચ કરાયેલી ગેમમાં કેટલાક પ્રાઈવસી રિલેટેડ પણ ફેરફાર કર્યા છે.