પાકિસ્તાનના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર મોઈદ યૂસુફે લગાવેલા આરોપ પ્રમાણે ગત મહિને લાહોરમાં 2008ના મુંબઈ આતંકવાદી હુમલાના માસ્ટરમાઈન્ડ અને પ્રતિબંધિત આતંકવાદી સંગઠન જમાત-ઉદ-દાવાના પ્રમુખ હાફિજ સઈદના ઘર બહાર થયેલા બોમ્બ વિસ્ફોટ પાછળ એક ભારતીય નાગરિકનો હાથ હતો.
લાહોરના જૌહર ટાઉનમાં મહેસૂલ બોર્ડ હાઉસિંગ સોસાયટી ખાતે હાફિજ સઈદના ઘર બહાર 23 જૂનના રોજ થયેલા બોમ્બ વિસ્ફોટમાં 3 લોકોના મોત થયા હતા. તે સિવાય અન્ય 24 લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. હજુ સુધી કોઈ આતંકવાદી સંગઠને આ હુમલાની જવાબદારી નથી સ્વીકારી.
પંજાબ પોલીસ પ્રમુખ અને સૂચના મંત્રી ફવાદ ચૌધરી સાથેની એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન પાકિસ્તાનના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારે હુમલાનો માસ્ટરમાઈન્ડ એક ભારતીય નાગરિક હોવાનો દાવો કર્યો હતો જે ગુપ્તચર એજન્સી સાથે સંબંધ ધરાવે છે.
પાકિસ્તાનના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર મોઈદ યૂસુફે જણાવ્યું કે, ‘આ આતંકવાદીઓ પાસેથી જપ્ત કરવામાં આવેલા ફોરેન્સિક વિશ્લેષણ, ઈલેક્ટ્રોનિક ઉપકરણ દ્વારા અમે મુખ્ય માસ્ટરમાઈન્ડ અને આ આતંકવાદી હુમલાના સંચાલકોની ઓળખ મેળવી છે. અમને આ વસ્તુ સૂચિત કરવામાં કોઈ સંદેહ કે વાંધો નથી કે મુખ્ય માસ્ટરમાઈન્ડ ભારતીય ગુપ્તચર એજન્સી રૉનો છે, જે ભારતમાં જ રહે છે.’ જોકે તેમણે કોઈની ઓળખ જાહેર નહોતી કરી.
પાકિસ્તાન પાસે પુરાવા
મોઈદ યૂસુફે જણાવ્યું કે, સરકાર પાસે બોગસ નામ, સાચી ઓળખાણ અને શકમંદોના એડ્રેસ છે કારણ કે અલગ-અલગ એજન્સીઓના સહયોગથી આ વાત સામે આવી છે.