દેહરાદુન : ઉત્તરખાંડના મુખ્યમંત્રી પદે 46 વર્ષીય પુષ્કરસિંહ ધામીએ શપથ ગ્રહણ કર્યા હતા. તેઓ રાજ્યના સૌથી ઓછી ઉંમરના મુખ્યમંત્રી બની ગયા છે. રવિવારે મંત્રીમંડળના સભ્યોની સાથે તેઓએ 11માં મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. રાજ્યપાલ બેબી રાની મૌર્યએ તેમને શપથ લેવડાવ્યા હતા. તેઓને આ પહેલા શનિવારે જ ભાજપના ધારાસભ્ય દળના નેતા બનાવવામાં આવ્યા હતા.
ઉત્તરાખંડના નવા મંત્રીમંડળમાં મુખ્યમંત્રી ઉપરાંત જેમને મંત્રી પદે શપથ લેવડાવવામાં આવ્યા તેમાં સતપાલ મહારાજ, ડો. હરકસિંહ રાવત, બંશીધર ભગત, યશપાલ આર્ય, બિશન સિંહ, સુબોધ ઉનિયાલ, અરવિંદ પાંડે, ગણેશ જોશી, ધનસિંહ રાવત, રેખા આર્ય અને સ્વામી યતીશ્વરાનંદનો સમાવેશ થાય છે.
શપથ ગ્રહણ કર્યા બાદ મુખ્યમંત્રી ધામીએ કહ્યું હતું કે યુવાઓની સમસ્યાઓને જાણુ છું કેમ કે તેમની વચ્ચે રહીને કામ કર્યું છે. કોરોનાએ તેમની રોજીરોટી છીનવી લીધી છે તેના પર કામ કરીશું. આ પહેલા તેઓએ પૂર્વ મુખ્યમંત્રીઓની સાથે પણ બેઠક યોજી હતી અને રાજ્યની સ્થિતિ અંગે ચર્ચા કરી હતી.
અગાઉના મુખ્યમંત્રીઓની જેમ ધામી પણ વિવાદોમાં આવી ગયા છે. તેઓના શપથ ગ્રહણ સમારોહ પહેલા તેમની એક જુની 2015ની ટ્વિટ વાઇરલ થઇ રહી છે. જેમાં તેઓએ અખંડ ભારતનો એક નક્શો શેર કર્યો હતો. જેને લઇને વિવાદ ચાલી રહ્યો છે. આ કથીત અખંડ ભારતના નક્શામાં પાકિસ્તાનના કબજા વાળો અને લદ્દાખનો કેટલોક ભાગ નહોતો દર્શાવવામાં આવ્યો.
જેને પગલે લોકો હવે સરકાર પર સવાલો ઉઠાવી રહ્યા છે. હાલમાં જ ટ્વિટર પર જમ્મુ કાશ્મીર અને લદ્દાખને અલગ અલગ દર્શાવવામાં આવ્યા હતા. ભારતના નક્શાને લઇને ટ્વિટરની ભારે ટીકા થઇ હતી, એવામાં હવે ઉત્તરાખંડના સીએમની જુની ટ્વિટ કાઢીને લોકો સવાલો ઉઠાવી રહ્યા છે.