બોગસ અને છેતરપિંડીવાળા SMS મોકલનારને 10,000નો દંડ થશે : DoT

નવી દિલ્હી : બોગસ અને છેતરપીંડીની ભાવનાથી મોકલવામાં આવતા કથિત કોમર્શિયલ મોબાઇલ એસએમએસ વિરૂદ્ધ ટેલિકોમ વિભાગે કડક લેવાની તૈયારી કરી દીધી છે. ટેલિકોમ વિભાગ હવે નકલી હેડિંગ સાથે બોગસ એસએમએસ મોકલીને ગ્રાહકોને છેતરતા કોમર્શિયલ એસએમએસ મોકલનાર તમામ ટેલિકોમ રિસોર્સ કાયમી ડિશકનેક્ટ એટલે ટેલિકોમ નંબરને હંમેશા માટે બંધ કરશે અને નિયમ ભંગ બદલ 10,000 રૂપિયા સુધીનો દંડ ફટકારશે.

ટેલિકોમ વિભાગના આ નિર્ણયથી ટેલિમાર્કેટિંગ કંપનીઓ સૌથી વધારે પ્રભાવિત થશે. હવે 10 અનિચ્છનીય એસએમએસ પર 1000 રૂપિયાનો દંડ અને 10થી વધારે અનિચ્છનીય એસએમએસ પર 5,000 રૂપિયા અને 50થી વધારે એસએમએસ મોકલવા પર 10,000 રૂપિયાનો દંડ કરવામાં આવશે. જો આ જ ભૂલ વારંવાર થઇ તો ટેલિમાર્કેટિંગ કંપનીને જંગી નાણાંકીય દંડ ઉપરાંત તેમનું મોબાઇલ કનેક્શન હંમેશા માટે ડિશકનેક્ટ એટલે કે બંધ કરવામાં આવશે.

ટેલિકોમ વિભાગ દ્વારા સોમવારે જારી કરાયેલી નોટિસમાં જણાવ્યા મુજબ, કોઇ પણ સેન્ડર (એસએમએસ મોકલનાર) અમાન્ય હેડરનો ઉપયોગ કરીને એસએમએસ મોકલતા પકડાશે તો તેને પ્રત્યેક નિયમ ભંગ બદલ 1000થી 10,000 રૂપિયા સુધીનો દંડ કરાશે સાથે સાથે નિયમ ઉલ્લંઘનની સંખ્યાના આધારે એસએમએસ મોકલનારનું આઇડી કે મોબાઇલ નંબર હંમેશા માટે બંધ કરી દેવામાં આવશે.

ટેલિકોમ વિભાગે જણાવ્યુ કે, કેન્દ્રીય સ્તરે એક ડેટા ઇન્ટેલિજન્સ યુનિટ (ડીઆઇયુ) અને વિભાગના સર્વિસ એરિયા ફિલ્ડ યુનિટ ખાતે ટેલિકોમ એનાલિટિક્સ ફોર ફ્રોડ મેનેજમેન્ટ એન્ડ કન્ઝયુમર પ્રોટેક્શન (ટીએએફસીઓપી) માટે ટેલિકોમ એનાલિટિક્સ બનાવશે.

બંને એકમો ટેલિકોમ સેવાનો ઉપયોગ કરીને છેતરપીંડીની જાણકારી મેળવવા, યુઝર્સની ફરિયાદનું મોનેટરિંગ કરવુ, નકલી આઇડી પ્રૂફથી મેળવેલ નકલી સિમકાર્ડને ઓળખી કાઢવા અને મોબાઇલ નંબર પોર્ટેબિલિટી ફ્રોર્ડ વગેરેને ઓળખી કાઢવા અને તમામ ગ્રાહકોની ફરિયાદોનો સમયસર ઉકેલ લાવવાની ખાતરી કરવા માટે વિવિધ સરકારી વિભાગો સાથે સમન્વય કરશે.

નોટિસમાં જણાવ્યુ છે કે, આ પ્લેટફોર્મ લો એન્ફોર્સમેન્ટ એજન્સીઓ, નાણાંકીય સંસ્થાઓ, ટેલિકોમ સર્વિસ પ્રોવાઇડરોને ટેલિકોમ સંશાધનોના દૂરૂપયોગથી કરેલી છેતરપીંડીના કેસમાં અવરોધ રહિત સમન્વય કરવા માટે ઉપલબ્ધ કરાવાશે. બંને પ્લેટફોર્મ તમામ લાઇસન્સ પ્રાપ્ત સર્વિસ ક્ષેત્રોમાંથી તમામ સર્વિસ પ્રોવાઇડરોના તમામ ટેલિકોમ કસ્ટમરોના ડેટા એક્ત્ર કરશે અને શંકાસ્પદ કનેક્શન કે ગતિવિધિની પેટર્નની ભાળ મેળવશે.

ટેલિકોમ કસ્ટમરોનો ડેટાબેઝ નક્કર અને સટીક બનાવવાના હેતુસર બોગસ દસ્તાવેજો દ્વારા જારી તમામ સીમ કાર્ડને ઓળખી કાઢવા માટે નિર્દેશિત એલ્ગોરિધમ અને ડેટા એનાલિટિક્સનો ઉપયોગ કરવામાં આવશે.

યુઝરોને બિનસત્તાવાર કનેક્શન અંગે પોતાની ફરિયાદ નોંધવા માટે એક પ્લેટફોર્મ પુરૂ પાડવા માટે એક વેબ-બેઝ્ડ સિસ્ટમ અને મોબાઇલ એપ જેને સેફ એક્સેસ ઓફ ટેલિકોમ રિસોર્સ વિધાઉટ હેરેસમેન્ટ એન્ડ ઇનફિંગરમેન્ટ (સાથી) પણ બનાવવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *