સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગરમાં સીટી મામલતદારની ટીમ દ્વારા ગુજરાત રાજ્ય નાગરીક પુરવઠા નિયમ લી. ના પ્રિન્ટેડ બારદાનમાં ભરેલા ૨૫૦ કટ્ટા ઘઉં સાથે ટ્રકને ઝડપી લેવામાં આવી હતી. આ પ્રકણરમાં રસ્તા ભાવે ખરીદેલા ઘઉં સરકારી બારદાનમાં ભરીને ગુણવતાની ચકાસણી વિના ટેકાના ભાવે ખરીદ કેન્દ્રમાં વેચી દેવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. આ પ્રકરણમાં ગુ.રા.નાગરીક પુરવઠા નિગમ લી. ના ઈન્ચાર્જ નાયબ જિલ્લા મેનેજર રમેશભાઈ મથુરભાઈ પટેલે શેખપરના ગોડાઉન મેનેજર, ખરીદ કેન્દ્રના ગ્રેડર સહિત છ વ્યકિત સામે સરકાર સાથે વિશ્વાસઘાત, છેતરપીંડીની ફરીયાદ નોંધાવેલ છે.
સુરેન્દ્રનગર નિર્મળનગરમાં રહેતા જીલાભાઈ ધારાભાઈ ગોલતરે અવધેશ્વર ટાઉનશીપ રતનપરમાં રહેતા અલ્પેશ રમણીકભાઈ લકુમને રૂા.૩૩૫ના મણ લેખે ૨૫૦ ઘઉં વેચેલા હતા. અલ્પેશભાઈએ ગોસળ તા. સાયલાના કુલદીપ કનુભાઈ ખાચર પાસેથી ગુજરાત રાજ્ય નાગરીક પુરવઠા નિગમ લી. ના પ્રિન્ટેડ બારદાનની વ્યવસ્થા કરીને ઘઉં તેમા ભરી શેખપરના શ્રીજી ગોડાઉન ખાતે ચાલતા ખરીદ કેન્દ્રમાં મોકલ્યા હતા. અહીં ટેકાના રૂા.૩૯૫ના ભાવે ઘઉં ખરીદવામાં આવે છે.
બીજા દિવસે જીલાભાઈ ધારાભાઈ ગોલતરે પણ આ મુજબ પોતાના ઘેરથી ઘઉંનો ટ્રક ભરાવીને શેખપર-ગોડાઉનમાં મોકલતા આ જથ્થો સીટી મામલતદારના આકસ્મીક ચેકીંગમાં ઝડપાઈ ગયો હતો અને તપાસમાં લાખોનો મુદામાલ સીઝ કરાયા બાદ કૌભાંડનો પર્દાફાશ થયો હતો.
આ પ્રકરણમાં પુરવઠાના ગોડાઉન મેનેજર ગૌરાંગ જગદીશચંદ્ર પંચોલીએ નિગમના માર્કાવાળા બારદાનમાં ભરેલા ઘઉં ગ્રડીંગ કરાવ્યા વીના સરકારમાં વેચાણ રાખ્યાનું બહાર આવ્યું છે. જ્યારે ટેકાના ભાવે ઘઉં ખરીદવાના કેન્દ્ર ખાતે ગ્રેડર તરીકે ફરજ બજાવતા નવા સુદામડા (સાયલા) ના પ્રભાતસિંહ રમેશભાઈ મકવાણાએ ગ્રેડર તરીકેની ફરજમાં બેદરકારી દાખવી ગ્રેડીંગ કર્યાવીના ઘઉં નો જથ્થો સરકારમાં વેચાણ રાખ્યાનુ બહાર આવ્યું છે.
આ ઉપરાંત કૌભાંડના તાર જિલ્લાના તમામ ખરીદ કેન્દ્રો પર સરકારી બારદાન-બેગની તપાસ કરવામાં આવતા લખતર ઘઉં ખરીદ કેન્દ્રમાં ૧૦૯૮ બારદાનની ઘટ આવેલી હોવાનું તપાસ દરમિયાન જણાતા ત્યાંના આસી.મેનેજર અતિત અરવિંદગીરી જમનાગીરી તથા ગ્રેડર દર્શનગીરી રાજુગીરી ગોસ્વામી શંકાના દાયરામાં આવ્યાં છે. તપાસ દરમિયાન નામ ખુલે તો તેમની સામે આરોપી તરીકે કાર્યવાહી કરવાની માગ ફરીયાદમાં થયેલી છે. આ સમગ્ર પ્રકરણે સરકારી વર્તુળોમાં ચકચાર જગાવવાની સાથે ચર્ચાનું કેન્દ્ર બનેલું છે. આ બનાવમાં છ વ્યકિત સામે ઈપીકો ૪૨૦, ૪૮૨, ૪૦૮, ૧૨૦બી અંતર્ગત ગુનો દાખલ કરાયેલ છે
જેમની સામે ફરીયાદ થઈ તેમના નામ
(૧)જયેશભાઈ અમરશીભાઈ ભડાણીયાક રહે.શેખપર આઈશરનં-જીજે-૧ડીયુ-૫૯૧૯નો ચાલક છે
(૨)જીલાભાઈ ધારાભાઈ ગોલતર રહે.નિર્મળનગર સુરેન્દ્રનગર નિગમના માર્કાવાળા બારદાનમાં ઘઉં ભરીને વેચનાર
(૩) અલ્પેશ રમણીકભાઈ લકુમ રહે.રતનપર નિગમના માર્કાવાળા બારદાન મેળવી જીલાભાઈને આપનાર
(૪) કુલદીપ કનુભાઈ ખાચર રહે. ગોસળ તા સાયલા (નિગમના માર્કાવાળા બારદાન લાવનાર તથા ગ્રેડીંગ કરાવ્યા વિના ઘઉં વેચનાર)
(૫) ગૌરાંગભાઈ જગદીશચંદ્ર પંચોલી- રહે. સુરેન્દ્રનગર પુરવઠા ગોડાઉન મેનેજર, નિગમના માર્કાવાળા બારદાનમાં ભરેલા ઘઉં ગ્રેડીંગ કરાવ્યા વિના સરકારમાં વેચાણ રાખનાર
(૬) પ્રભાતસિંહ રમેશભાઈ મકવાણા રહે. નવા સુદામડા(તા.સાયલા) શેખપરક ઘઉં ખરીદ કેન્દ્ર ખાતે ગ્રેડર હોવા છતાં ગ્રેડીંગ કરાવ્યા વિના ઘઉંનો જથ્થો સરકારમાં વેચાણ રાખનાર