નવી દિલ્હી : કોરોના મહામારીની શિક્ષણ પર પણ માઠી અસર પહોંચી રહી છે. એવામાં સીબીએસઇ બોર્ડ દ્વારા અગાઉ લોકડાઉનને કારણે પરીક્ષાઓ રદ કરવામાં આવી હતી ત્યારે હવે ધોરણ 10 અને 12ની બોર્ડની આગામી પરીક્ષાઓ માટે નવી પદ્ધતી લાગુ કરવામાં આવી છે. જેમાં પરીણામોને પણ આવરી લેવામાં આવશે. અને બે ટર્મમાં પરીક્ષાઓ યોજાશે સાથે જ સીબીએસઇ પ્રશ્નપત્રો અને 50 ટકા સિલેબસ આપશે.
સીબીએસઇ દ્વારા જારી કરવામાં આવેલી નવી પરીક્ષા સ્કીમ અનુસાર બોર્ડ દ્વારા સ્કૂલોને પ્રશ્નપત્રો અને માર્કિંગ સ્કીમ મોકલવામાં આવશે. કુલ બે ટર્મમાં પરીક્ષાઓ લેવામાં આવશે. પહેલા ટર્મની પરીક્ષા નવેમ્બર-ડિસેમ્બર 2021માં જ્યારે બીજી ટર્મની પરીક્ષા માર્ચ-એપ્રીલ 2022માં લેવામાં આવશે. આ માહિતી સીબીએસઇના ડાયરેક્ટર જોસેફ ઇમાન્યૂઅલ દ્વારા આપવામા આવી હતી.
ધોરણ 10 અને 12ના સિલેબસમાં પણ ઘટાડો કરવામાં આવ્યો છે. અને હવે જે કુલ સિલેબસ છે તેમા 50 ટકાનો કાપ મુકવામાં આવ્યો છે. આ સાથે જ એક સ્પેશિયલ એસેસમેંટ સ્કીમ પણ જાહેર કરવામાં આવી છે. સીબીએસઇએ શૈક્ષણિક સત્ર 2021-22 માટે સેકંન્ડ્રી અને સીનિયર સેકન્ડ્રી ધોરણોની બોર્ડની પરીક્ષાઓને બે ભાગમાં ઘટાડેલા સિલેબસના આધારે આયોજીત કરવાની જાહેરાત કરી છે.
ધોરણ 10ની સીબીએસઇ બોર્ડ પરીક્ષા 2022ને લઇને જે જાહેરાત કરાઇ છે તે મુજબ નવમા અને 10મા ધોરણ માટે ઇંટર્નલ એસેસમેન્ટ અંતર્ગત ત્રણ પીરિયોડિક ટેસ્ટ, પોર્ટફોલિયો અને પ્રેક્ટિકલ વર્ક/સ્પીકિંગ-લિસનિંગ એક્ટિવિટી/પ્રોજેક્ટ આયોજિત કરાશે. આ બધુ જ બોર્ડ દ્વારા પહેલાથી જ નિશ્ચિત વર્ષ દરમિયાન આયોજીત થનારી ટર્મ-1 અને ટર્મ-2 ઉપરાંતનું હશે.
જ્યારે 10મા ધોરણના વિદ્યાર્થીઓ માટે ટર્મ-1 સમાપ્ત થયા બાદ બોર્ડ દ્વારા નવેમ્બર-ડિસેમ્બર 2021 દરમિયાન 4થી 8 સપ્તાહની અંદર પરીક્ષાઓનું આયોજન કરાશે. વિષયવાર પરીક્ષાઓના કાર્યક્રમ માટે સીબીએસઇ બોર્ડ 10મી ડેડશીટ 2021-22 બાદ જારી કરાશે. જ્યારે ટર્મ-2ની પરીક્ષાઓ માર્ચ-એપ્રીલ 2022માં આયોજીત કરાશે.
ધોરણ 10ની જેમ 12માં ધોરણ માટે પણ નવી પરીક્ષા સ્કીમ જાહેર કરાઇ છે. ધોરણ 11 અને 12 માટે ઇંટર્નલ એસેસમેંટમાં ટોપિક કે યુનિટ ટેસ્ટ, એક્સપ્લોરેટ્રી એક્ટિવિટી, પ્રેક્ટિકલ અને પ્રોજેક્ટ વર્ક સામેલ કરાશે. જે પુરા સત્ર દરમિયાન ચાલશે અને પહેલાથી નિર્ધારિત વર્ષ દરમિયાન આયોજીત થનારી ટર્મ-1 અને ટર્મ-2 ઉપરાંતના હશે.
ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે ટર્મ-1ની પરીક્ષાઓ નવેમ્બર અને ડિસેમ્બર 2021 દરમિયાન ચારથી આઠ સપ્તાહની અંદર યોજાશે. આ પરીક્ષાઓ માટે સીબીએસઇ બોર્ડ 12મી ડેડશીટ 2021-22 બાદમાં જારી કરશે. જે બાદ ટર્મ-2ની પરીક્ષાઓ માર્ચ-એપ્રીલ 2022માં આયોજીત કરાશે. સાથે જ ટર્મ 1 પરીક્ષા એમસીક્યૂ આધારીત હશે, અને તેનો સમયગાળો 90 મિનિટનો રહેશે. જ્યારે માત્ર ટર્મ-1ના સિલેબસ (એટલે કે 50 ટકા)માંથી જ પ્રશ્નો હશે.