આજે દેશમાં ઘણાં રાજ્યમાં રાજ્યપાલને બદલવામાં આવ્યા છે, જેમાં ગુજરાતના મંગુભાઈ પટેલને મધ્યપ્રદેશના રાજ્યપાલ બનાવાયા હતા. આ પહેલાં આનંદીબેન પટેલ પાસે મધ્યપ્રદેશના રાજ્યપાલનો વધારાનો હવાલો હતો.
બીજી તરફ, કર્ણાટકમાં પણ રાજ્યપાલ બદલાયા છે. વજુભાઈ વાળાનો કાર્યકાળ પૂરો થતાં તેમની જગ્યાએ હવે થાવરચંદ ગેહલોતને કર્ણાટકના રાજ્યપાલ બનાવાયા છે.
8માંથી 4ની ટ્રાન્સફર, 4 નવા ગવર્નર
1. મંગુભાઈ છગનભાઈ પટેલ: ગુજરાત ભાજપના નેતા મધ્યપ્રદેશના રાજ્યપાલ બનશે.
2. થાવરચંદ ગેહલોત: કેન્દ્રીય મંત્રી હતા, હવે કર્ણાટકના રાજ્યપાલ બનશે.
3. રમેશ બેસ: ત્રિપુરાના રાજ્યપાલ હતા, હવે ઝારખંડના રાજ્યપાલ બનશે.
4. બંડારુ દત્તાત્રેય: હિમાચલના રાજ્યપાલ હતા, હવે હરિયાણાના રાજ્યપાલ બનશે.
5. સત્યદેવ નારાયણ આર્ય: હરિયાણાના રાજ્યપાલ હતા, હવે ત્રિપુરાના રાજ્યપાલ બનશે.
6. રાજેન્દ્ર વિશ્વનાથ અર્લેકર: હિમાચલ પ્રદેશના રાજ્યપાલ બનશે.
7. પીએએસ શ્રીધરન પિલ્લઈ: મિઝોરમના રાજ્યપાલ હતા, હવે ગોવાના રાજ્યપાલ બનશે.
8. હરિબાબુ કંભમપતિ: મિઝોરમના રાજ્યપાલ બનશે.
એમ કહેવાઈ રહ્યું છે કે થાવરચંદને રાજ્યપાલ બનાવીને મધ્યપ્રદેશના કોટામાંથી સિંધિયા માટે કેબિનેટની જગ્યા ખાલી કરવામાં આવી છે. જોકે સિંધિયાની પ્રોફાઈલ શું હશે, એ હજી નક્કી નથી. જોકે એવી ચર્ચા ચાલી રહી છે કે મોદી તેમને મોટી જવાબદારી સોંપશે. અત્યારસુધીમાં મધ્યપ્રદેશમાંથી મોદી કેબિનેટમાં 4 મંત્રી હતા. નરેન્દ્ર સિંહ તોમર, પ્રહલાદ પટેલ, થાવરચંદ ગેહલોત અને ફગ્ગન સિંહ કુલસ્તે.
મોદી કેબિનેટનું વિસ્તરણ 7 જુલાઈએ થવાની શક્યતા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 7 જુલાઈએ કેબિનેટનું વિસ્તરણ કરે એવી શકયતા છે. પ્રાપ્ત માહિતી મુજબ, મોદી 2.0નું વિસ્તરણ બુધવારે સવારે 11 વાગ્યે થશે. કેબિનેટમાં હાલ 28 મંત્રીપદ ખાલી છે અને કહેવાઈ રહ્યું છે કે 17-22 સાંસદોને મંત્રીપદના શપથ લેવડાવાય એવી શકયતા છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, મોદીએ 2 દિવસ સુધી ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપના સંગઠન મહામંત્રી બીએલ સંતોષની સાથે કેબિનેટના વિસ્તરણ અંગે બેઠક કરી છે.
UP-બિહાર-મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાંથી બનશે મંત્રી
મધ્યપ્રદેશઃ રાજ્યમાં ભાજપની સરકાર બનાવવામાં મહત્ત્વનો રોલ ભજવનાર જ્યોતિરાદિત્ય સિંધિયા મોદી કેબિનેટમાં નવો યુવા ચહેરો બની શકે છે. આ સિવાય જબલપુરથી ભાજપ સાંસદ રાકેશ સિંહનું પણ નામ છે. મધ્યપ્રદેશમાંથી 1-2 નામની ચર્ચા કેબિનેટ વિસ્તરણ માટે છે.
બિહારઃ લોજપામાંથી સાંસદ પશુપતિ કુમાર પારસ અન JDUના આરસીપી સિંહને મંત્રી બનાવવામાં આવી શકે છે. બિહારમાંથી 2-3 નામોની ચર્ચા છે.
ઉત્તરપ્રદેશઃ અપના દળની અનુપ્રિયા પટેલનું નામ સૌથી આગળ છે. અનુપ્રિયા ગત મહિને દિલ્હી જઈને અમિત શાહને પણ મળી હતી. આ સિવાય વરુણ ગાંધી, રામશંકર કઠેરિયા, અનિલ જૈન, રીતા બહુગુણા જોશી, જફર ઈસ્લામનાં નામ પણ ચર્ચામાં છે.
મહારાષ્ટ્રઃ મહારાષ્ટ્રમાંથી ભાજપ સાંસદ હિના ગાવિતને કેન્દ્રમાં મંત્રી બનાવવામાં આવી શકે છે. આ સિવાય ભૂપેન્દ્ર યાદવ, પૂનમ મહાજન અને પ્રીતમ મુંડેનું નામ પણ ચર્ચામાં છે.
3 પૂર્વ મુખ્યમંત્રી અને એક ડેપ્યુટી CMની ચર્ચા
ઉત્તરાખંડના પૂર્વ મુખ્યમંત્રી તીરથ સિંહ રાવત, આસામના પૂર્વ મુખ્યમંત્રી સર્વાનંદ સોનોવાલ અને મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી નારાયણ રાણેને પણ કેન્દ્રમાં મંત્રી બનાવવામાં આવી શકે છે. તીરથ સિંહ રાવતે 2 દિવસ પહેલાં જ 3 જુલાઈએ મુખ્યમંત્રીપદેથી રાજીનામુ આપ્યું હતું. આ સિવાય બિહારના પૂર્વ ડેપ્યુટી CM સુશીલ મોદીને પણ મોદીના મંત્રીમંડળમાં સ્થાન મળી શકે છે.
આ સિવાય લદાખમાંથી ભાજપના સાંસદ જામયાંગ નામગ્યાલ, ઉત્તરાખંડમાંથી અજય ભટ્ટ કે અનિલ બલૂની, કર્ણાટકમાંથી પ્રતાપ સિન્હા, પશ્ચિમ બંગાળમાંથી જગન્નાથ સરકાર, શાંતનુ ઠાકર કે નિશિથ પ્રામાણિક, હરિયાણામાંથી બૃજેન્દ્ર સિંહ, રાજસ્થામાંથી રાહુલ કાસવાન, ઓડિશાથી અશ્વિન વૈષ્ણવ, દિલ્હીથી પરવેશ વર્મા કે મીનાક્ષી લેખીનું નામ પણ શપથ લેનારાઓમાં હોઈ શકે છે.