જમ્મુ કાશ્મીરઃ કુલગામમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ, 24 કલાકમાં 5 ઢેર

કુલગામ ખાતે 2 આતંકવાદીઓને ઠાર મારવાની સાથે જ છેલ્લા 24 કલાકમાં કુલ 5 આતંકવાદીઓનો ખાત્મો કરવામાં આવ્યો છે. કાશ્મીરના આઈજીપી વિજય કુમારે જણાવ્યું કે, છેલ્લા 24 કલાકમાં કાશ્મીરમાં 5 આતંકવાદીઓને ઢેર કરવામાં આવ્યા છે. આ માટે તેમણે પોલીસ અને સુરક્ષા દળોને શુભેચ્છા પાઠવી હતી.

જાણવા મળ્યા મુજબ બુધવારે મોડી રાતે દક્ષિણી કાશ્મીરમાં અથડામણ શરૂ થઈ હતી અને 2 આતંકવાદીઓ ઘેરાયા હોવાની સૂચના મળી હતી. સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો હતો. પુલવામા ખાતે આતંકવાદીઓ સંતાયા હોવાની સૂચના મળ્યા બાદ સુરક્ષા દળોએ સર્ચ ઓપરેશન ચલાવ્યું હતું.

આ દરમિયાન એક મકાનમાં સંતાયેલા આતંકવાદીઓએ સુરક્ષા દળો પર ફાયરિંગ શરૂ કરી દીધું હતું. એસઓપીના કહેવા પ્રમાણે પહેલા તેમને આત્મસમર્પણ કરવાની તક આપવામાં આવી હતી. અનેક અવસર આપવા છતાં આતંકવાદીઓએ સમર્પણ કરવાના બદલે ફાયરિંગ ચાલુ રાખ્યું હતું અને જવાબી કાર્યવાહી બાદ અથડામણ શરૂ થઈ હતી. બંને બાજુથી મોડી રાત સુધી ફાયરિંગ કરવામાં આવ્યું હતું.

અગાઉ ઉત્તર કાશ્મીરના હંદવાડા ખાતે સુરક્ષા દળોને મોટી સફળતા મળી હતી. આતંકવાદીઓ સાથેની અથડામણમાં સુરક્ષા દળોએ હિજબુલના ટોપ કમાન્ડર મેહરાજુદ્દીન ઉર્ફે ઉબૈદને ઠાર માર્યો હતો. ઉબૈદ અનેક આતંકવાદી ગતિવિધિઓમાં સામેલ હતો.

આ વર્ષની શરૂઆતથી અત્યાર સુધીમાં સુરક્ષા દળોને કાશ્મીર ઘાટીમાં 71 આતંકવાદીઓને ઠાર મારવામાં સફળતા મળી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *