મિનરલ વોટરના 20 લીટરના જગના વેચાણમાં નિયમોનું થતું ઉલ્લંઘન

પૂર્વ અમદાવાદમાં પીવાના પાણીના ૨૦ લીટરના જગ-કેરબાનો મોટા પ્રમાણમાં કારોબાર ચાલી રહ્યો છે. પાણીના ખાનગી પ્લાન્ટો સ્થાપીને પીવાલાયક શુદ્ધ અને મિનરલ વોટર લોકોના ઘર સુધી પહોંચાડવા માટેનું નરોડાથી નારોલના પટ્ટામાં મોટું નેટવર્ક ઉભું કરાયું છે.

એક જગના ૨૦ રૃયિયા ભાવ વસુલાય છે પરંતુ સરકારી ધારાધોરણ પ્રમાણે પેકિંગ, ગુણવત્તા, જથ્થો, ઉત્પાદકનું નામ, સરનામું, કિંમત સહિતની ગ્રાહકલક્ષી વિગતોનો ઉલ્લેખ મોટાભાગના ઉત્પાદકો દ્વારા કરવામાં આવતો હોતો નથી. ફુડ સેફ્ટિ એન્ડ સ્ટાન્ડર્ડ (પેકિંગ અને લેબલિંગ રેગ્યુલેશન-૨૦૧૧) મુજબના નીતિ નિયમોનું પાલન થઇ રહ્યું ન હોવાની ફરિયાદો ઉઠી છે. શુદ્ધ પાણીના નામે જનઆરોગ્ય સાથે ચેડા થઇ રહ્યા હોવાની પણ બુમો ઉઠી છે.

પૂર્વ અમદાવાદના પટ્ટામાં શુદ્ધ અને પુરતું પીવાનું પાણી પુરૃ પાડવાની ફરજમાં મ્યુનિ.તંત્ર ઉણું ઉતર્યું છે. જેના કારણે દરેક વોર્ડમાં મોટાભાગની સોસાયટીના લોકો તેમાંય સામાન્ય વર્ગ પણ  પૈસા ખર્ચીને પીવાના પાણીના જગ મંગાવવા મજબૂર છે. મ્યુનિ.તંત્રની આ નિષ્ફળતાના કારણે જ નરોડાથી નારોલના સમગ્ર પટ્ટામાં  મિનરલ વોટરના પાણીના જગનો કારોબાર મોટાપાયે ફુલ્યોફાલ્યો છે.

વીસ રૃપિયાનો એક જગ મળી રહ્યો છે. મહિને લોકો પીવાના પાણી પાછળ ૬૦૦ રૃપિયાનો ખર્ચ કરી રહ્યા છે. લોકોને શુદ્ધ , મિનરલ અને ઠંડું પાણી પુરૃ પાડવા માટે અનેક ખાનગી પાણીના પ્લાન્ટો ઉભા થઇ ગયા છે. જે લોકોના ઘરે, ઓફિસ, દુકાન કે ફેક્ટરીઓમાં જઇને પાણીના જગનો સપ્લાય કરી રહ્યા છે. ગ્રાહકલક્ષી આ સેવા સારી છે પરંતુ તેમાં નીતિ નિયમોનું પુરતું પાલન કરાવવું પણ જરૃરી છે, નહીં તો શુદ્ધ પાણીના નામે લોકોને છેતરવામાં આવશે તેવી સ્થિતિ ઉભી થશે.

લોકો પૈસા ખર્ચીને પાણી પી રહ્યા છે તે શુદ્ધ છેકે કેમ ?તે બાબતે ભારે અનિશ્ચિતતાનું વાતાવરણ ફેલાયું છે. ખાનગી પાણીના પ્લાન્ટના સપ્લાયરો ફુડ સેફ્ટી સહિતના કાયદાઓનું પાલન કરી રહ્યા નથી. બીજી બાજુ નવાઇની વાત એછેકે મ્યુનિ.તંત્ર કે ફુડ વિભાગ દ્વારા આ મામલે ચેકિંગ કે કાયદાના પાલનની બાબતમાં ઘોર ઉદાસીનતા દાખવાઇ રહી છે.

સરકારી નિયમ મુજબ ૨૦ લીટરના પાણીના જગ-કેરબા ઉપર પેકિંગ કરનારનું નામ, સરનામુ, પાણીની નેટ ક્વોલિટી-જથ્થો, કિંમત, શુદ્ધતાનું પ્રમાણ, ઇએમ આઇડી આ બધી વિગતોનો ઉલ્લેખ કરવો ફરજિયાત છે. પાણીના જગ સિલબંધ હોવા જરૃરી છે.

આ અંગે ગ્રાહક સુરક્ષા, ગ્રાહક સત્યાગ્રહ -ગ્રાહક  ક્રાંતિના પ્રમુખ સુચિત્રા પાલના જણાવ્યા મુજબ નરોડા, ઇસનપુર, નારોલ વિસ્તારમાં ઔદ્યોગિક એકમોવાળા વિસ્તારમાં પાણીમાં ફ્લોરાઇડનું પ્રમાણ વધારે હોય છે. પાણીમાં ક્ષાર, સલ્ટ, કેમિકલ અને કલરની માત્રા વધારે હોય છે.

પૂર્વના અનેક ઔદ્યોગિક એકમ વિસ્તારમાં પાણી દુષિત આવી રહ્યું છે ત્યારે લોકો જેના પર ભરોસો કરી રહ્યા છે અને પૈસા ખર્ચીને પાણી પી રહ્યા છે તે મિનરલ વોટરવાળા જગનું પાણી પણ શુદ્ધ હોવું જરૃરી છે. આ મામલે તંત્ર દ્વારા આ માટે બનાવાયેલા કાયદાઓનું પાલન કરાવવું જોઇએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *