બનાવની વિગત એવી છે કે જામનગરમાં પેલેસ રોડ પર સ્નેહદીપ એપાર્ટમેન્ટમાં રહેતા અને બોકસાઈટના ધંધાર્થી મનોજભાઈ અનંતરાય શાહએ ૧ જૂનના દિવસે સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં પોતાની સાથે વેકસિનના ધંધામાં ૫૦ ટકા નફાની લાલચે કટકે કટકે રૂપિયા એક કરોડ ૩૫ લાખની રકમ ઓનલાઈન ટ્રાન્ઝેકશન મારફતે પડાવી લીધાની અને છેતરપિંડી આચરવા અંગે નાઇજીરીયન નાગરિકો સહિત ૧૪ આરોપીઓ સામે ફરિયાદ નોંધાવાઈ હતી.
જે ફરિયાદના અનુસંધાને જામનગરના સીટી બી ડિવિઝનના પોલીસ સ્ટાફે તપાસનો દોર છેક મુંબઈ સુધી લંબાવ્યો હતો, ત્યાં ડોમ્બિવલી વિસ્તારમાંથી નાઈજિરિયન પ્રેમી જોડાની અટકાયત કરી લીધી છે તેમજ તેઓની સાથે બેંક ખાતા મારફતે રૂપિયા ટ્રાન્સફર કરાવી નાખનાર જયેશ વસંતરાવ નામના એક મરાઠી શખ્સની પણ અટકાયત કરી લીધી છે.
જે ત્રણેયને જામનગર લઈ આવ્યા પછી ગઇરાત્રે જી. જી. હોસ્પિટલમાં કોવિડ ટેસ્ટ માટે રજૂ કરાયા હતા. જે ત્રણેયના રિપોર્ટ નેગેટિવ આવ્યા હોવાથી પોલીસે ત્રણેયની છેતરપિંડી અંગેના ગુનામાં ધરપકડ કરી લીધી છે અને રિમાન્ડ પર લેવા કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે મુંબઈમાં પાડેલા દરોડા દરમિયાન ત્રણેય આરોપીઓ પાસેથી છેતરપિંડીને લગતું કેટલુંક સાહિત્ય વગેરે પણ કબજે કર્યો છે અને સાથે લઈ આવ્યા છે. આ પ્રકરણમાં હજુ અન્ય ૧૧ આરોપીઓની સંડોવણી હોવાથી પોલીસે તેઓની શોધખોળ હાથ ધરી છે.