Sanjay Raut: ભાજપ અમારો આભાર માને, શિવસેના અને NCP માંથી આવેલા મોદી સરકારમાં પ્રધાન

મહારાષ્ટ્રમાંથી 4 સાંસદોને મોદી કેબિનેટમાં  સ્થાન મળ્યું છે. જે બાદ શિવસેનાના સાંસદ સંજય રાઉતે  ભાજપ પર નિશાન સાધતા કહ્યું કે, કેન્દ્ર સરકારે સરકારમાં મંત્રી પદ ભરવા માટે ‘માનવ સંસાધન’ પૂરા પાડવા બદલ ભાજપે  શિવસેના અને એનસીપીનો આભાર માનવો જોઇએ. રાઉતે મીડિયા સાથેની વાતચીત દરમિયાન કહ્યું કે, નવા કેન્દ્રીય પંચાયતી-રાજ રાજ્યમંત્રી કપિલ પાટિલ અને આરોગ્ય રાજ્યમંત્રી ભારતી પવાર અગાઉ એનસીપીમાં હતા.

 

 

રાઉતે ટકોર કરતાં કહ્યું કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમનામાં કંઇક ખાસ જોયું હશે માટે આવા મહત્વપૂર્ણ વિભાગ સોંપવામાં આવ્યા છે. ભાજપે શિવસેના અને એનસીપીનો આભાર માનવો જોઇએ. જેમણે કેન્દ્રીય મંત્રીમંડળમાં સમાવેશ કરવા માટે સારા માનવ સંસાધનો પૂરા પાડ્યા. રાઉતે કહ્યું કે, રાણેને જે પ્રભાર આપવામાં આવ્યો છે, તેના કરતા વધારે મોટી જવાબદારી સોંપવી જોઈતી હતી. રાણે મુખ્ય પ્રધાન રહી ચૂક્યા છે અને મહત્વપૂર્ણ મંત્રાલયોની લગામ પણ સંભાળી છે. એમએસએમઈ (MSME) મંત્રાલયમાં, તેમની સામે નાના અને મધ્યમ ઉદ્યોગોને જીવંત બનાવવાનો પડકાર રહેશે. જેઓ કોરોના રોગચાળાથી ખરાબ રીતે પ્રભાવિત થયા છે. તેઓ રોજગાર પેદા કરવાના પડકારનો પણ સામનો કરશે.

 

પત્રકારો દ્વારા જ્યારે પૂછવામાં આવ્યું કે, શું રાણેને કોંકણ ક્ષેત્રમાં શિવસેનાનો મુકાબલો કરવાના હેતુથી મોદી કેબિનેટમાં શામેલ કરવામાં આવ્યા છે, ત્યારે રાઉતે કહ્યું, આવું કહેવું કેબિનેટ અને બંધારણનું અપમાન કરવા જેવું થશે. તમે કોઈને દેશની સેવા કરવા માટે અથવા રાજકીય વિરોધીઓને નિશાન બનાવવા માટે મંત્રી બનાવો. રાઉતે કહ્યું કે, મહારાષ્ટ્રથી આવતા 4 નેતાઓને સારા મંત્રાલયો મળ્યા છે અને તેઓને એમએસએમઇ, નાણાં અને આરોગ્ય ક્ષેત્રે લોકોની સેવા કરવાની તક મળશે. સાથે જ તેમણે ભાજપ નેતા પ્રકાશ જાવડેકરને કેન્દ્રીય મંત્રીમંડળમાંથી હટાવવા બદલ દુ:ખ વ્યક્ત કર્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *