જામનગર : સોશિયલ મીડિયા પર બ્લેકમેઇલરોનો આતંક

જામનગરમાં માતૃઆશિષ સોસાયટીમાં રહેતા ચિત્રકાર અશોકસિંહ વાળાને ઓનલાઈન મોહજાળમાં ફસાવીને નાણાં પડાવવાનો પ્રયાસ થયો હતો. સોશિયલ મીડિયા પર બ્લેકમેઇલરોની ચુંગાલમાં કોઈ ફસાઈ ન જાય એ માટે અશોકસિંહે ‘દિવ્યભાસ્કર’ની ઓફિસે આવીને આખી વાત રજૂ કરી હતી.

“મારા ફેસબુક અકાઉન્ટ પર ‘અંજલિ’ના નામથી ફ્રેન્ડ રિકવેસ્ટ આવી હતી. મને લાગ્યું કે તે વાંચનની શોખીન છે, એટલે તેની રિકવેસ્ટ એક્સેપ્ટ કરી હતી. ત્યારે ખબર ન હતી કે તેના શોખ કંઈક જુદા જ છે. પહેલા થોડી વાતચીત બાદ મેસેન્જર પર એ યુવતીનો વીડિયો-કોલ આવ્યો. વીડિયો-કોલ આવે ત્યારે આપણે કેમેરાની ફ્રન્ટમાં જ હોઈએ, પણ એ લેડીઝ કોઈ વાત કર્યા વગર સીધી જ કપડાં ઉતારવા લાગી, હું કેમેરાના એંગલથી દૂર જતો રહ્યો. એ પછી તેના ત્રણ-ચાર વીડિયો-કોલ આવ્યા, નગ્નાવસ્થામાં અને ચેનચાળા કરતા. વચ્ચે-વચ્ચે મને પણ કહ્યું કે આપ ભી કપડે ઉતારો. હું તેની ચાલ સમજી ગયો એટલે ક્યારેય કેમેરાની સામે ગયો જ નહીં.

પછી એક રાત્રે તેનો મેસેજ આવ્યો કે ‘રૂ.20,000 ભેજો, વરના આપકી વીડિયો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક ઔર યુટ્યૂબ પર અપલોડ કર દી જાયેગી.’ મેં ગુસ્સાથી કહ્યું, જા.. જો હો શકે વો કર લે… એ પણ ધૂંધવાઇ ગઈ અને ફેસબુક પરથી મારા પુત્રનું આઈડી શોધીને મને તેનો સ્ક્રીનશોટ મોકલાવ્યો અને ફરી ધમકી આપી, પૈસા નહીં દોગે તો વીડિયો આપકે બેટે કો ભેજ દી જાયેગી. મે કહ્યું, તુજ સે જો હો શકે વો કર લે. તેએને પણ કદાચ ખ્યાલ આવી ગયો કે ખોટી જગ્યાએ મહેનત થઈ રહી છે, એટલે તેણે પડતું મૂક્યું. એ જ દિવસે ફેસબુક પર મારા બીજા ત્રણ મિત્રોને પણ આ જ રીતે બ્લેકમેઇલ કરવાની કોશિશ થઈ હતી.’’

યુવતીએ પૂછ્યું, ક્યાં કરતે હો ? ચિત્રકારે કહ્યું, દેશભક્તિ !
અંજલિ નામની એ હિન્દીભાષી યુવતીની ફ્રેન્ડ રિકવેસ્ટ સ્વીકારતાં તેણે સીધા જ મેસેન્જરમાં આવીને વાતચીત ચાલુ કરી હતી. મેસેન્જરમાં થયેલી અક્ષરશ: વાતચીત આ મુજબ છે..

યુવતી : કહા સે હો? ચિત્રકાર : ભારત સે. યુવતી : ક્યાં કરતે હો? ચિત્રકાર : દેશભક્તિ. યુવતી : આજ પૂરા દિન ફિર ક્યાં કરતે હો? ચિત્રકાર : પૂરા દિન દેશ કે બારે મેં સોચતા રહતા હૂ. (ચિત્રકાર કહે છે, હું હળવા મૂડમાં જ વાતો કરતો હતો. મને ખ્યાલ આવી ગયો હતો કે આ ફેક છે.) પછી યુવતીએ કહ્યું, આપકા વ્હોટ્સઅપ નંબર દો. ચિત્રકાર : ક્યું ચાહીયે વ્હોટ્સઅપ નંબર… યુવતી : વીડિયો-કોલ કરેંગે… ચિત્રકાર : વીડિયો-કોલ કરના હૈ તો વો તો મેસેન્જર પર ભી હો શકતા હૈ. (….એ પછી મેસેન્જરમાં એ યુવતીનો વીડિયો-કોલ આવ્યો અને શરૂ થયો બ્લેક મેઇલિંગની રમતનો પ્રથમ પાર્ટ.)

સાવધાન !
સોશિયલ મીડિયા પર આવી ટોળકીની એક્ટિવિટી વધી છે

સોશિયલ મીડિયા પર આવા બ્લેકમેઈલર્સ રોજ 10થી 15 લોકોને કોલ કરતા હોય છે, એમાંથી કોઈ એક-બે ફસાઈને પૈસા પણ આપી દે, એટલે આવા લોકોનું કામ ચાલી જાય છે. આવી ટોળકી વધુ સક્રિય બનતાં ચાલબાજીમાં ન સપડાઈ જવાય એ માટે જાગ્રત રહેવાની જરૂર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *