નવા આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવે ટ્વિટરને સ્પષ્ટ સંકેત આપ્યો હતો કે દેશમાં રહીને કામ કરતી દરેક કંપનીઓએ દેશના કાયદા પાળવા પડશે. દેશના બંધારણનું સ્થાન સર્વોચ્ચ છે અને એમાં કોઈ બાંધછોડ કરવામાં આવશે નહીં. તેમણે આઈટી મંત્રાલયનો ચાર્જ સંભાળ્યો તે પછી તરત જ આ નિવેદન આપ્યું હતું.
આઈટી મંત્રાલયનો ચાર્જ સંભાળનારા નવા મંત્રી અશ્વિની વૈષ્ણવને પૂછવામાં આવ્યું હતું કે ટ્વિટર ભારતના નવા આઈટી કાયદાનું પાલન કરતી નથી. તો તે બાબતે શું કરવામાં આવશે? તેના જવાબમાં નવા આઈટી મિનિસ્ટરે સ્પષ્ટ શબ્દોમાં ટ્વિટરને સંકેત આપ્યો હતો કે દેશના બંધારણથી કોઈનું પણ સ્થાન મોટું નથી. દેશમાં રહીને કાર્યરત દરેક કંપનીએ અને દરેક વ્યક્તિએ ભારતના કાયદાનું પાલન કરવું અનિવાર્ય છે. જો એમ નહીં થાય તો કાયદાકીય રીતે સરકાર પગલાં ભરશે.
દરમિયાન ટ્વિટર અને કેન્દ્ર સરકાર વચ્ચેના વિવાદમાં હાઈકોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો હતો. દિલ્હી હાઈકોર્ટમાં ચાલતા ટ્વિટર-કેન્દ્રના કેસના સંદર્ભમાં કોર્ટે કહ્યું હતું કે જો ટ્વિટર નવા આઈટી કાયદાનું પાલન ન કરે તો કેન્દ્ર સરકાર કાયદા પ્રમાણે કંપની સામે પગલાં ભરવા સ્વતંત્ર છે.
દિલ્હી હાઈકોર્ટે સુનાવણી દરમિયાન કહ્યું હતું કે ટ્વિટરને આગોતરું રક્ષણ આપવામાં આવ્યું નથી. એવા સમયે જો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દેશના કાયદાને તોડે તો કેન્દ્ર સરકાર કંપની સામે કાર્યવાહી કરી શકે છે. ટ્વિટરે બચાવમાં કહ્યું હતું કે નવા કાયદાને લાગુ પાડવા માટે સમય જોઈશે. અત્યારે આઈજીઓની નિમણૂક કરી દેવાઈ છે, તે પછી દિલ્હી હાઈકોર્ટે સવાલ કર્યો હતો કે હજુ સુધી કંપનીએ માત્ર ત્રણ જ આઈજીઓની નિમણૂક કેમ કરી છે? સંખ્યા વધારવામાં કેમ આવી નથી? દિલ્હી હાઈકોર્ટના આદેશ પછી હવે સરકાર નવા આઈટી કાયદાના પાલન ન કરવા બદલ ટ્વિટર સામે કાર્યવાહી કરવા મુક્ત છે.
બીજી તરફ ફેસબુકની પણ મુશ્કેલી વધી છે. સુપ્રીમ કોર્ટે ફેસબુક ઈન્ડિયાના વાઈસ પ્રેસિડેન્ટની અરજીને ફગાવી દીધી હતી. ફેસબુક ઈન્ડિયાના વાઈસ પ્રેસિડેન્ટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી કે દિલ્હીમાં થયેલા રમખાણો મુદ્દે ફેસબુકની ભૂમિકાને લઈને દિલ્હી વિધાનસભાની શાંતિ-સદભાવ કમિટીએ હાજર રહેવાનું ફરમાન કર્યું છે, તેની સામે અત્યારે સ્ટે મૂકવામાં આવે. જોકે, સુપ્રીમ કોર્ટે સ્ટે મૂકવાનો ઈનકાર કરીને દિલ્હી વિધાનસભાની કમિટી સમક્ષ જૂબાની આપવા હાજર રહેવાનો આદેશ ફેસબુકને આપ્યો હતો.