અમેરિકાના મુખ્ય દુશ્મનો રશિયા અને ચીન પરમાણુ શસ્ત્રો વિકસાવી રહ્યા હોવાથી વિશ્વ પરમાણુ યુદ્ધની નજીક ધકેલાઈ રહ્યું હોવાની પેન્ટાગોને ચેતવણી આપી છે. પેન્ટાગોને પરમાણુ ઓપરેશન્સ અંગેના તેના એક રિપોર્ટમાં જણાવ્યું છે કે, અમેરિકા પર પરમાણુ યુદ્ધનું જોખમ વધી રહ્યું છે, કારણ કે રશિયા અને ચીન છેલ્લા એક દાયકાથી તેમના શસ્ત્રાગારનું આધુનિકરણ કરી રહ્યા છે અને તેને વિસ્તારી રહ્યા છે. એટલું જ નહીં, ઉત્તર કોરિયાએ અમેરિકા સુધી પહોંચે તેવા મિસાઈલનું પરીક્ષણ કર્યું છે અને ઈરાન એક વર્ષમાં પરમાણુ શસ્ત્રો બનાવવાની ટેક્નોલોજી વિકસાવી લેશે તેવો પણ દાવો કરાયો છે.
પેન્ટાગોનના અહેવાલમાં જણાવાયું છે કે અમેરિકાએ વર્ષ ૨૦૧૦થી પરમાણુ શસ્ત્રોની ક્ષમતામાં ઘટાડો કરવા માટે ચર્ચા કરવાનો પ્રયાસ કર્યો છે, પરંતુ દુશ્મન દેશ દ્વારા તેની રાષ્ટ્રીય સલામતી વ્યૂહરચના અથવા પરમાણુ શસ્ત્રોની સંખ્યા ઘટાડવામાં આવી નથી. ઉલટાનું તેઓ વિપરિત દિશામાં આગળ વધી રહ્યા છે. આ રિપોર્ટમાં વિશેષરૃપે રશિયા, ચીન, ઉત્તર કોરિયા અને ઈરાનનો ઉલ્લેખ છે.
આ અહેવાલમાં જણાવાયું છે કે આ દેશોની પ્રવૃત્તિઓના પરિણામે વિશ્વના અનેક ભાગોમાં પરમાણુ શસ્ત્રો મારફત પ્રાદેશિક સ્તરે યુદ્ધની સંભાવનાઓ વધી છે. રશિયા અને ચીન પરમાણુ ટેક્નોલોજી અને શસ્ત્રો ધરાવતા હોવાથી અમેરિકા માટે તે સૌથી મોટા જોખમ છે. વર્ષ ૨૦૧૯માં રશિયા અને અમેરિકાએ તેમની ૧૯૮૭ની ઈન્ટરમીડિયેટ રેન્જ ન્યુક્લિયર ફોર્સ ટ્રીટી રદ કરી હતી. આ સંધી હેઠળ અમેરિકા અને રશિયા ૫૦૦થી ૫,૫૦૦ કિ.મી.ની રેન્જ ધરાવતા પરમાણુ અને પરંપરાગત બેલાસ્ટિક અને ક્રૂઝ મિસાઈલ્સ નાબૂદ કરવા સંમત થયા હતા. બંને દેશોએ ૨૦૨૧માં નવી વ્યૂહાત્મક હથિયારો ઘટાડવાની સંધી પાંચ વર્ષ માટે લંબાવી હતી.
રશિયા તેની ભૂ-રાજકીય મહત્વાકાંક્ષા માટે અમેરિકા અને નાટોને તેના મુખ્ય દુશ્મન માને છે. પરીણામે રશિયા તેની સોવિયેત સમયના શસ્ત્રોની ડિલિવરી ક્ષમતાને આધુનિક બનાવી રહ્યું છે તથા નવા પરમાણુ શસ્ત્રો અને લોન્ચર્સ ગોઠવી રહ્યું છે તેમજ ત્રણ નવા ઈન્ટરકોન્ટિનેન્ટલ-રેન્જ પરમાણુ શસ્ત્રોની સિસ્ટમ વિકસાવી રહ્યું છે. રશિયા હાઈ-ટેક પ્લેન્સ, ગ્રાઉન્ડ લોન્ચ્ડ ક્રુઝ મિસાઈલ્સ અને અન્ડરવોટર ઓટોનોમસ ટોરપીડો સહિતના શસ્ત્રો વિકસાવી રહ્યું છે.
ચીને પણ તેની પરમાણુ શસ્ત્રોની ક્ષમતા અને સંખ્યામાં વધારો કર્યો છે, જેમાં અત્યાધુનિક સબમરીન લોન્ચ મિસાઈલ્સનો સમાવેશ થાય છે. ચીન પણ જમીન, સમુદ્ર અને હવામાંથી પ્રહાર કરી શકાય તેવા બોમ્બર વિકસાવી રહ્યું છે. ઉત્તર કોરિયા પણ પરમાણુ શસ્ત્રો અને તેની મિસાઈલ ફ્લાઈટ ટેસ્ટિંગ ક્ષમતા વધારી રહ્યું છે. તેણે તાજેતરમાં જ અમેરિકા સુધી પહોંચ ધરાવતી ઈન્ટરકોન્ટિનેન્ટલ-રેન્જ મિસાઈલનું ટેસ્ટિંગ કર્યું છે. ઈરાન પણ એક વર્ષમાં પરમાણુ શસ્ત્રોની ટેક્નોલોજી અને ક્ષમતા વિકસાવી રહ્યું છે તેમ પેન્ટાગોનનું કહેવું છે. ઈરાનની પડોશી દેશો સાથે સંઘર્ષમાં ઉતરવાની નીતિએ પણ પરમાણુ શસ્ત્રો નહીં વિકસાવવાની તેની લાંબા સમયની કટિબદ્ધતા સામે સવાલો ઊભા કર્યા છે.