અમદાવાદ : ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સના અધિકારીઓએ બોગસ બિલિંગનું અંદાજે રૂા. 1000 કરોડનું જંગી કૌભાંડ પકડી પાડયું છે. આ કૌભાંડમાં સંડોવાયેલા ભાવનગરના અફઝલ સાદિક અલી સવજાણીએ રૂા. 739 કરોડનું અને પ્રાન્તીજના મીનાબેન રંગસિંહ રાઠોડ (ઝાલા) અને રૂા. 577 કરોડનું બોગસ બિલિંગ કર્યું હોવાનું બહાર આવ્યું છે.
આ કૌભાંડમાં સંડોવાલેયી માધવ કોપર લિમિટેડે બોગસ બિલિંગના માધ્યમથી રૂા. 75 કરોડની ગેરકાયદે વેરાશાખ-ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવી હોવાનું જાણવા મળી રહ્યું છે.સાતમી જુલાઈથી ભાવનગરમાં એક સામટા 71 સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરોડા દરમિયાન બોગસ બિલિંગની વિગતો બહાર આવી હતી. આ સંદર્ભમાં સાદિક અલી સવજાણી અને મીના રંગસિંહ રાઠોડની ધરપકડ કરવામાં આવી છે.
સાતમી જુલાઈએ 36 કંપનીઓ, પેઢીઓ, બોગસ બિલિંગ ઓપરેટર્સ તથા તમની સાથે સંગળાયેલા ઇસમોના ધંધા અને રહેઠાણ મળીને કુલ 71 સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરોડા અમદાવાદ, ગાંધીનગર, સુરત, ભાવનગર, રાજકોટ, સુરત, પ્રાંતીજ ખાતે 80 જેટલી ટીમોએ મળીને પાડયા હતા. ભાવનગરના 42, અમદાવાદના 17, ગાંધીનગરના 5, સુરતના 4, રાજકોટના 2 અને પ્રાંતીજના એક સ્થળે દરોડા પાડવામાં આવ્યા હતા.
આ કૌભાંડનો અંદાજ ભાવનગરના વાઘવાડી રોડ પર આવેલી નિલેશ પટેલની માલિકીની કંપની માધવ કોપર લિમિટેડ દ્વારા મોટા પ્રમાણમાં બોગસ બિલની મદદથી મોટા પ્રમાણમાં ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવવામાં આવી રહી હોવાની શક્યતાને આધાર ેતપાસ આદરવામાં આવી હતી. માધવ કોપર ઉપરાંત તેની સાથે સંકળાયેલા તમામ સ્થળોએ એક સામટા દરોડા પાડવામાં આવ્યા હતા.
આ તપાસ દરમિયાન મોટા પ્રાણમાં વાંધાજનક દસ્તાવેજો, ડિજિટલ ડેટા મળી આવ્યા હતા. જીએસટીના અધિકારીઓના જણાવ્યા મુજબ પ્રાથમિક અંદાજ મુજબ માધવ કોપર લિમિટેડે રૂા. 425 કરોડની ખરીદી બતાવીને આશરે રૂા. 75 કરોડની ખોટી ઇનપુટ ટેક્સ ક્રેડિટ લીધી હોવાનું જાણવા મળી રહ્યું છે.
ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સના અધિકારીઓની તપાસ દરમિયાન બિલિંગ ઓપરેટર્સ મીનાબેન રંગસિંહ રાઠોડ અને અફઝલ સાદિકઅલી સવજાણીનના રહેઠાણની પણ તપાસ કરવામાં આવી હતી.
આ બંને સ્થળેથી પણ મોટા પ્રમાણમાં વાંધાજનક સાહિત્ય અને ડિજિટલ ડેટા મળી આવ્યો હતો.આ બંનેએ મોટા પ્રમાણમાં બિલિંગની કામગીરી કરી હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું. મીના રાઠોડે 31 ઇસમો પાસેથી લોન અપાવવાની લાલચ આપીને તેમની ઓળખના દસ્તાવેજો મેળવવામાં આવ્યા હતા.
આ દસ્તાવેજોનો ઉપયોગ કરીન અફઝલ સાદિક અલી સવજાણીએ જીએસટીના રજિસ્ટ્રેશન નંબર મેળવ્યા હતા. તેમાં 15થી 20 કંપનીઓના નામે રૂા. 577 કરોડની આસપાસના બોગસ બિલો બનાવ્યા હોવાનું જણાય છે. તેમ જ ભાવનગરના અફઝલ સવજાણીની 25 જુદી જુદી પેઢીઓમાંથી રૂા. રૂા. 739 કરોડના બોગસ બિલ બનાવીને રૂા. 135 કરોડની ગેરકાયદેસર ઇનપુટ ટેક્સ ક્રેડિડ મેળવી લીધી છે.
અફઝલ સાદિક અલી અને મીના રાઠોડની ધરપકડ કરી અમદાવાદની કોર્ટમાં આજે રજૃ કરવામાં આવ્યા હતા. કોર્ટે તેમને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યા હતા. બંનેએ મળીને કેટલીક પાર્ટીના કોમન બોગસ બિલ તૈયાર કર્યા હોવાથી કુલ બોગસ બિલિંગનો આંક રૂા. 1000 કરોડની આસપાસનો હોવાનો અંદાજ મૂકવામાં આવી રહ્યો છે.