વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બીજા કાર્યકાળમાં સૌપ્રથમ વખત જંગી વિસ્તરણ કરતાં બુધવારે કેન્દ્રીય મંત્રીમંડળમાં ૩૬ નવા ચહેરાનો સમાવેશ કરતાં મંત્રીમંડળની સંખ્યા ૭૮ થઈ છે. કેન્દ્ર સરકારના ૭૮ મંત્રીઓમાંથી ૪૨ ટકા એટલે કે ૩૩ મંત્રીઓ સામે ગુનાઈત કેસો નોંધાયેલા છે, જેમાંથી ૨૪ સામે હત્યા, હત્યાના પ્રયાસ અને લૂંટ સંબંધિત ગંભીર ગૂનાઓનો સમાવેશ થાય છે.
દેશમાં ચૂંટણી અધિકારો માટે જાગૃતિ લાવતા જૂથ એસોસિયેશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (એડીઆર)ના અહેવાલ મુજબ કેન્દ્ર સરકારના નવા મંત્રીઓમાં ૯૦ ટકા મંત્રીઓ અબજોપતિ છે. મંત્રીઓ દ્વારા દાખલ કરવામાં આવેલા ચૂંટણી સોગંદનામાનું વિશ્લેષણ કરીને એડીઆરે જણાવ્યું હતું કે, નવી કેબિનેટના ૭૦ મંત્રીઓ કરોડપતિ છે, જેમાં તેમના સોગંદનામામાં રૂ. ૧ કરોડથી વધુની સંપત્તિ જાહેર કરી છે. કેન્દ્ર સરકારના ‘હાઈ એસેટ મિનિસ્ટર્સ’માં જ્યોતિરાદિત્ય સિંધિયા (રૂ. ૩૭૯ કરોડથી વધુ), પીયુષ ગોયલ (રૂ. ૯૫ કરોડથી વધુ), નારાયણ રાણે (રૂ. ૮૭ કરોડથી વધુ) અને રાજીવ ચંદ્રશેખર (રૂ. ૬૪ કરોડથી વધુ)નો સમાવેશ થાય છે.
કેબિનેટ વિસ્તરણ પછી ગૂનાઈત કેસો ધરાવતા મંત્રીઓના પ્રમાણમાં ત્રણ ટકાનો વધારો થયો છે. નવી કેબિનેટમાં ૭૮માંથી ૨૪ એટલે કે ૩૧ ટકા મંત્રીઓએ તેમની સામેના ગૂનાઈત કેસો જાહેર કર્યા છે, જેમાં જ્હોન બરલા, નિતિશ પ્રમાણિક, પંકજ ચૌધરી, વી. મુરલીધરન સામે હત્યાના પ્રયાસ સંબંધિત ગંભીર ગુનાઈત કેસો નોંધાયેલા છે.
૨૦૧૯માં પહેલી કેબિનેટે શપથ લીધા હતા ત્યારે ૫૬ મંત્રીઓમાંથી ૩૯ ટકા મંત્રીઓએ તેમની સામેના ગુનાઈત કેસો જાહેર કર્યા હતા. તે કેબિનેટમાં પણ ૯૧ ટકા મંત્રીઓ કરોડપતિ હતા તેમ એડીઆરના અહેવાલમાં જણાવાયું હતું. અહેવાલ મુજબ નવા કેબિનેટમાં મંત્રીઓની સરેરાશ સંપત્તિ રૂ. ૧૬.૨૪ કરોડ છે. આ કેબિનેટમાં સૌથી ઓછી સંપત્તિ ધરાવતા મંત્રીઓમાં ત્રિપુરાના પ્રતિમા ભૌમિક (રૂ. ૬ લાખ), પશ્ચિમ બંગાળના જ્હોન બરલા (રૂ. ૧૪ લાખ), રાજસ્થાનના કૈલાશ ચૌધરી (રૂ. ૨૪ લાખ), ઓડિશાના બિશ્વેશ્વર ટુડુ (રૂ. ૨૭ લાખ) અને મહારાષ્ટ્રના વી. મુરલીધરન (રૂ. ૨૭ લાખ)નો સમાવેશ થાય છે.
નવા મંત્રીઓની શૈક્ષણિક લાયકાત અંગે એડીઆરના અહેવાલમાં જણાવાયું છે કે ૨૧ મંત્રીઓ પોસ્ટ ગ્રેજ્યુએટ છે. નવ મંત્રીઓ ડૉક્ટરેટની પદવી ધરાવે છે જ્યારે ૧૭ મંત્રીઓ ગ્રેજ્યુએટ અને વ્યાવસાયિક ગ્રેજ્યુએટ્સ છે. માત્ર બે મંત્રીઓ આઠમુ પાસ, ત્રણ દસમુ ધોરણ અને સાત ૧૨મુ ધોરણ પાસ છે.