મહારાષ્ટ્ર : કોરોનાની નકલી દવાઓ વેચવાનું દેશવ્યાપી કૌભાંડ ઝડપાયું, માસ્ટરમાઈન્ડની મુંબઈથી ધરપકડ

MUMBAI : કોરોનાની સારવારમાં ઉપયોગમાં લેવામાં આવતી નકલી દવાઓ દેશભરમાં સપ્લાય કરવામાં આવી રહી હતી.આ સમગ્ર રેકેટનો માસ્ટર માઇન્ડ મુંબઈમાં પકડાયો છે. સુદિપ મુખર્જી વ્યવસાયે કેમિકલ એન્જિનિયર અને ઉદ્યોગપતિ છે.તેણે કોરોનાની સારવારમાં ઉપયોગમાં લેવામાં આવતી ફેવીપીરવીર ની ગોળીઓ સહિત ઘણી દવાઓના ડુપ્લિકેટ માલ બનાવવા માટે નકલી કંપની પણ બનાવી હતી. પરંતુ હવે આ છેતરપિંડીની રમત પૂરી થઈ ગઈ છે અને મુંબઈ પોલીસે તેની ધરપકડ કરી છે.

કોરોનાના સમયગાળામાં તેજી દરમિયાન એન્ટિ વાયરલ ફેવીપીરાવીર  ટેબ્લેટ્સ સહિતની અન્ય દવાઓની માંગમાં વધારો થયો હતો.આ સમયગાળા દરમિયાન આ વેપારીએ હિમાચલ પ્રદેશમાં ડુપ્લિકેટ ફાર્મા કંપની બનાવી. નકલી કાગળો તૈયાર કરીને, બોગસ દવાઓનો સ્ટોક વધારીને અને ત્યારબાદ આવી ડુપ્લિકેટ દવાઓ દેશભરમાં બજારમાં વેચવાની શરૂ કરી. લોકોની જીંદગી સાથે રમત રમતા તે આ રીતે કરોડો રૂપિયાની કમાણી કરવામાં વ્યસ્ત હતો.

હિમાચલ પ્રદેશમાં નકલી દવાની ફેક્ટરી
મુંબઈ પોલીસ દ્વારા પકડાયેલો આ ઉદ્યોગપતિ કોરોના સમયગાળા દરમિયાન થયેલ હજારો મોત માટે આડકતરી રીતે જવાબદાર છે. સુદિપ મુખર્જી નામનો આ કેમિકલ એન્જિનિયર તેની નકલી કંપનીમાં કોરોનાની સારવારમાં ઉપયોગી ફેવીપીરાવીર અને બીજી દવાઓની નકલી ગોળીઓ ખૂબ જ ચાલાકીથી તૈયાર કરતો હતો અને ત્યારબાદ તે આખા દેશમાં સપ્લાય કરતો હતો.

આ રીતે આ આરોપી મુંબઇ, દિલ્હી રાજસ્થાન સહિત દેશભરની જુદી જુદી દવાની દુકાનમાં નકલી કંપની, નકલી લાઇસન્સ, નકલી વિતરકોની મદદથી કોરોના સારવાર માટે ઉપયોગમાં લેવામાં આવતી દવાઓની નકલી ગોળીઓ વેચતો હતો.એટલું જ નહીં, આ નકલી દવાઓ ઓનલાઇન આડેધડ વેચી રહ્યો હતો.

આ રીતે થયો સમગ્ર કૌભાંડનો પર્દાફાશ
આ નકલી દવાઓનો એક જથ્થો દક્ષિણ મુંબઈના બજારમાં પહોચ્યો હતો. આ જથ્થામાંથી ફેવીપીરાવીર હાઇડ્રોક્લોરોક્વિન અને અન્ય દવાઓની નળી ગોળીઓ ઘણી જાણીતી હોસ્પિટલોમાં મોકલવામાં આવી હતી. ફૂડ એન્ડ ડ્રગ વિભાગને આ માહિતી મળતા દરોડા પાડવામાં આવ્યાં હતા અને નકલી દવાનો મોટો જથ્થો જપ્ત કરવામાં આવ્યો.

જપ્ત કરવામાં આવેલા નકલી દવાના જથ્થામાં એટલા મોટા પ્રમાણમાં દવાઓ હતી કે ફૂડ એન્ડ ડ્રગ વિભાગને એ વાતનો અંદાજો આવી ગયો કે આ બોગસ દવાઓની સપ્લાય ચેન ઘણી લાંબી છે.ત્યારબાદ અધિકારીઓએ મુંબઇના પરા વિસ્તારોમાં દવાના ત્રણ મોટા વેપારીઓના ગોડાઉનો પર દરોડા પાડ્યા હતા અને આવી નકલી દવાઓનો વિશાળ સ્ટોક કબ્જે કર્યો હતો.આ રીતે સુદિપ મુખર્જીનો નકલી દવાઓનો કાળો ધંધો સામે આવ્યો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *