ગુજરાતમાં 5 દિવસ સુધી ધોધમાર વરસાદની આગાહી

ગુજરાતમાં રવિવારથી  ચોમાસુ ફરી જામશે અને આગામી પાંચ દિવસ સુધી રાજ્યના મોટા ભાગના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ પડશે. રાજ્યના હવામાન વિભાગ દ્વારા આ  આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે રવિવારે રાજ્યમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે.

ગુજરાતમાં હજુ સુધી પાંચ ઈંચ વરસાદ પણ નથી પડ્યો. ચોમાસું બેઠું તેના એક મહિના કરતાં વધારે ગાળામાં રાજ્યમાં કુલ 4.90  ઈંચ વરસાદ પડ્યો છે. મતલબ કે અત્યાર સુધીમાં  મોસમનો સરેરાશ 14.84 ટકા વરસાદ નોંધાયો છે. તેના કારણે રાજ્યમાં બફારો વધી રહ્યો છે ત્યારે પાંચ દિવસ સુધી ભારેથી અતિ ભારે વરસાદ પડશે તો લોકોને ગરમીમાં રાહત મળશે.

હવામાન વિભાગે અમદાવાદમાં આગામી ચાર દિવસ મધ્યમથી ભારે વરસાદ પડશે એવી આગાહી કરી છે.  હવામાન વિભાગનું અનુમાન છે કે, રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં આ વખતે વરસાદ પડશે.  હવામાન અંગે આગાહી કરતી ખાનગી સંસ્થાઓએ પણ આગામી 21 જુલાઇ સુધી અમદાવાદમાં ભારે વરસાદની આગાહી કરી છે એ જોતાં અમદાવાદીઓને પણ આગામી પાંચ દિવસમાં ગરમીમાંથી રાહત મળશે. ગુજરાતમાં છેલ્લા અઠવાડિયા દરમિયાન છૂટક વરસાદ પડી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 156 તાલુકાઓમાં મેઘમહેર થઈ છે. ઉત્તર અને દક્ષિણ ગુજરાતના કેચલાક વિસ્તારોમાં તથા સૌરાષ્ટ્રમાં વરસાદ પડ્યો હતો પણ આ વરસાદ લોકોને ગરમીમાંથી રાહત આપનારો સાબિત થયો નથી.

આ સાથે જ વલસાડના ઉમરગામ, નર્મદાના તિલકવાડા, જૂનાગઢના માળિયા અને સુરતના માંગરોળમાં બે ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. જૂનાગઢના માણાવદર અને નવસારીના ખેરગામમાં દોઢ ઈંચથી વધુ વરસાદ પડ્યો હતો. છોટા ઉદેપુરના પાવી જેતપુર અને સુરતના ઓલપાડ, નવસારીના જલાલપોરમાં પણ દોઢ ઈંચથી વધુ વરસાદ નોંધાયો  હતો. ભરૂચના હાંસોટ અને છોટા ઉદેપુરમાં દોઢ ઈંચ ખાબક્યો હતો. આ સાથે જ બનાસકાઠાના અમીરગઢ, વડોદરાના સિનોર, ભરૂચ અને નવસારી શહેરમાં પણ દોઢ ઈંચ વરસાદ પડ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *