ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં વીજળી પડવાના કારણે કુલ 68 લોકોના મોત થયા છે. માત્ર ઉત્તર પ્રદેશના અલગ અલગ જિલ્લાઓમાં જ વીજળી પડવાના કારણે 41 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. તેમાં સૌથી વધારે મોત પ્રયાગરાજ જિલ્લામાં નોંધાયા છે.
યુપી સરકારના અહેવાલ પ્રમાણે પ્રયાગરાજ જિલ્લામાં વીજળી પડવાના કારણે 14 લોકોના મોત થયા છે. કાનપુર દેહાત અને ફતેહપુરમાં 5-5 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. કૌશાંબી ખાતે 4, ફિરોઝાબાદમાં 3, ઉન્નાવ-હમીરપુર-સોનભદ્રમાં 2-2-2 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જ્યારે કાનપુર નગર-પ્રતાપગઢ-હરદોઈ-મિર્ઝાપુરમાં 1-1 વ્યક્તિના મોત થયા છે.

તે સિવાય 22 લોકો દાઝ્યા છે જ્યારે 200 પશુઓ પણ માર્યા ગયા છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે તાત્કાલિક સહાયતા રાશિ ઉપલબ્ધ કરાવવા નિર્દેશ આપ્યો છે. ઉલ્લેખનીય છે કે, રવિવારે મોડી સાંજે ઉત્તર પ્રદેશના અનેક જિલ્લામાં હવામાન ખરાબ થઈ ગયું હતું અને અનેક જગ્યાએ વરસાદ સાથે વીજળી પણ ત્રાટકી હતી.
સરકારી આંકડા પ્રમાણે રવિવારે રાજસ્થાનમાં વીજળી પડવાના કારણે કુલ 20 લોકોના મોત થયા હતા. રાજસ્થાન સરકારે મૃતકોના પરિવારજનોને 5-5 લાખ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી છે. તે પૈકીના 4 લાખ રૂપિયા ઈમરજન્સી રીલિફ ફંડમાંથી અને 1 લાખ રૂપિયા સીએમ રીલિફ ફંડમાંથી આપવામાં આવશે.
મધ્ય પ્રદેશમાં પણ છેલ્લા 24 કલાકમાં વીજળી પડવાના કારણે 7 લોકોના મોત થયા હતા.