NASIK : ભારતની ચલણી નોટોનુ પ્રિન્ટિંગ કરતા નાસિકના પ્રિન્ટિંગ પ્રેસમાંથી પાંચ લાખ રુપિયા ગાયબ થવાની ઘટના સામે આવી છે. દેશની રાષ્ટ્રીય સુરક્ષામાં મોટું છીંડું પડ્યું છે. નાસિકમાં આવેલી ભારતની ચલણી નોટો છાપવાની પ્રેસ (Nasik Currency Note Press) માંથી છપાયેલી રૂ.5 લાખની ચલણી નોટો ગાયબ થઇ છે. દેશની શ્રેષ્ઠ સુરક્ષા વ્યવસ્થા સાથેની ચલણી નોટ પ્રેસમાં થયેલી આ ચોરીએ વહીવટીતંત્રની ચિંતા વધારી દીધી છે. આ મામલે હજુ સુધી કોઈ કેસ નોંધાયેલ નથી. ખૂબ જ કડક સુરક્ષા વ્યવસ્થા હોવા છતાં નોટ પ્રિન્ટિંગ પ્રેસમાંથી રૂપિયા 5 લાખ નહીં મળવાને કારણે ચિંતા વધી ગઈ છે. હાલમાં, આ મુદ્દે પ્રેસ, વહીવટીતંત્ર અને પોલીસ દ્વારા કંઇ કહેવામાં આવ્યું નથી.આ ઘટના રાષ્ટ્રીય સુરક્ષા અને રાષ્ટ્રીય આર્થિક વ્યવહારોને લગતી હોવાને કારણે સંબંધિત પ્રેસ, પ્રશાસન અને પોલીસે મૌન ધારણ કર્યું છે.
કડી સુરક્ષા છતાં ચોરીથી ખળભળાટ
નાસિકમાં આવેલી કરન્સી નોટ પ્રેસ (Nasik Currency Note Press) ભારતમાં વપરાતી ચલણી નોટોને છાપે છે. અહીં એક વર્ષમાં બસ્સોથી અઢીસો કરોડ રૂપિયાના મુલ્યની નોટો છાપવામાં આવે છે.આથી નાસિક કરન્સી નોટ પ્રેસમાં 24 કલાકની અત્યાધુનિક અને ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જ્યારે દેશમાં નોટબંધી લાદવામાં આવી હતી, ત્યારે આ પ્રેસ દ્વારા દેશને દિવસ-રાત એક પછી એક નોટો સપ્લાય કરવાની મહત્વપૂર્ણ જવાબદારી નિભાવવામાં આવી હતી. ત્યારે પણ સલામતીને લગતી આવી કોઈ ઘટના સામે આવી ન હતી. પરંતુ આટલી કડક સુરક્ષાથી સજ્જ પ્રેસમાં ચોરીની ઘટનાથી ચકચાર મચી ગઈ છે.
પ્રેસ, પ્રશાસન અને પોલીસનીચુપી
નાસિકમાં આવેલી નોટો છાપવાની આ ફેક્ટરીમાંથી ચલણી નોટો ગાયબ થવા અંગે થોડા સમય પહેલા ગુપ્તચર વિભાગ દ્વારા તપાસનું કામ શરૂ કરાયું હતું. પરંતુ સોમવારે મુદ્રણ અધિકારીઓ આ મુદ્દાને લઈને ઉપનગરીય પોલીસ મથકે પહોંચ્યા ત્યારે મામલો સામે આવ્યો. મોડી રાત સુધી આ મામલે કોઈ કેસ નોંધાયો ન હતો. આ ઘટના રાષ્ટ્રીય સુરક્ષા અને રાષ્ટ્રીય નાણાકીય વ્યવહારો સાથે સંબંધિત હોવાથી સંબંધિત પ્રેસ, પ્રશાસન અને પોલીસે મૌન ધારણ કર્યું છે. કર્મચારીઓની બેદરકારીને કારણે આવું બન્યું છે કે અન્ય કોઈ બાબત છે કે કેમ તે અંગે હાલ કંઇ કહેવું મુશ્કેલ છે.