કુદરતી પ્રકોપો, વાવાઝોડા સહિતના સંકટોમાં દ્વારકાનો નાથ નગરજનોની રક્ષા કરતો હોવાની માન્યતાને સાંપડી વધુ આસ્થા!
રાજ્યભરમાં જયારે વરસાદી માહોલ જામ્યો છે અને રાજ્યના અલગ-અલગ વિસ્તારમાં વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ વરસી રહ્યો છે, ત્યારે દેવભૂમિ દ્વારકામાં પણ વીજળીના કડાકા સાથે વરસાદ વરસ્યો હતો. જે દરમ્યાન દ્વારકાધીશના શિખર ધ્વજ પર વીજળી ત્રાટકી હતી; જેમાં ધ્વજા ખંડિત થઈ છે. કુદરતી પ્રકોપને દ્વારકાધીશે પોતાના માથે લીધા હોઈ તેવા અદભૂત દ્રશ્યો જોવા મળ્યા હતા. દ્વારકાધીશ મંદિર શિખર ધ્વજ પર વીજળી ત્રાટકતી હોય તેવો વીડિયો સોશિયલ મીડીયામાં વાયરલ થયો છે.
દ્વારકાવાસીઓની અતૂટ આસ્થાને વધુ એક ઉદાહરણ મળ્યું છે. કુદરતી આફતો, વાવાઝોડા સહિતના વિકટ સંકટોમાં દ્વારકાધીશ નગરજનોની રક્ષા કરતા હોવાની માન્યતાને વધુ વેગ મળ્યો છે. દ્વારકામાં આજે વીજળીના કડાકા ભડાકા સાથે મેઘરાજાએ ધમાકેદાર પરફોર્મન્સ આપ્યું હતું.