દેશના સૌ પ્રથમ રી-ડેવલપમેન્ટ એવા ગાંધીનગર કેપિટલ રેલ્વે (Gandhinagar Capital Railway Station) સ્ટેશન પર મુસાફરોને વિશ્વ કક્ષાની (World Class Railway Station) સુવિધા મળશે.
ગાંધીનગર : ગાંધીનગર કેપિટલ રેલ્વે (Gandhinagar Capital Railway Station) સ્ટેશન પર મુસાફરોને વિશ્વ કક્ષાની (World Class Railway Station) સુવિધા મળશે. જેવી કે મુસાફરોને ગાંધીનગર રેલ્વે સ્ટેશન પર લક્ઝરી હોટલ, સ્પેશ્યલ લાઇટિંગ, એક પ્રાર્થના હોલ અને એક અલગ બાળક ફીડિંગ રૂમ જેવી સુવિધાઓ સાથે એરપોર્ટ જેવો અનુભવ મળશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) 16 જુલાઈએ આ રેલ્વે સ્ટેશનનું ઉદઘાટન કરશે. આ સ્ટ્રક્ચરને ગ્રીન બિલ્ડિંગ અપ્રેઝલ સિસ્ટમ (GBAS) સાથે ડિઝાઈન કરવામાં આવ્યું છે. પહેલાથી જ ભારતીય વાણિજ્ય એન્ડ ઉદ્યોગ સંગઠન (ASSOCHAM) તરફથી સસ્ટેનેબિલીટી સ્ટાન્ડર્ડ ગ્રીન સર્ટિફિકેશન (SSGC) મળી ચૂક્યું છે.
રેલ્વેના અધ્યક્ષ સુનીત શર્માએ જણાવ્યું હતું કે, મુસાફરોની સુવિધાઓને ધ્યાનમાં રાખીને આ સ્ટેશનને એરપોર્ટની જેમ વિકસાવવામાં આવ્યું છે. અમે રેલવે સ્ટેશન પર શ્રેષ્ઠ અનુભવ માટે તમામ શ્રેષ્ઠ સુવિધાઓનો સમાવેશ કરવાનો પ્રયાસ કર્યો છે. તેમણે કહ્યું કે, સ્ટેશનોના પુનર્વિકાસના પ્રોજેક્ટમાં અમે રેલવે માટે આવકના નવા સ્રોત બનાવવાની સાથે સાથે અમારા મુસાફરો માટે નવા અનુભવો લાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. આ ખરેખર નવા ભારતનું નવું રેલ્વે સ્ટેશન છે. ગાંધીનગર કેપિટલ સ્ટેશન પર પુનર્વિકાસની કામગીરીની શરૂઆત 2017માં ગાંધીનગર રેલ્વે અને શહેરી વિકાસ (GARUD) નામના સંયુક્ત સાહસની રચનાથી થઈ હતી.
સ્ટેશન પર દિવ્યાંગ મુસાફરો માટે વિશેષ સુવિધાઓ છે
ભારતીય રેલ્વેએ (Indian Railway) જણાવ્યું હતું કે, સ્ટેશન પર દિવ્યાંગ મુસાફરોને ધ્યાનમાં રાખીને, ખાસ ટિકિટ બુકિંગ કાઉન્ટર્સ, રેમ્પ્સ, લિફ્ટ, પાર્કિંગ લોટ ગોઠવવામાં આવ્યા છે. સ્ટેશન પર એક આર્ટ ગેલેરી પણ છે. પુનર્વિકાસ કરાયેલ સ્ટેશન પીક અવર્સ દરમિયાન 1,500 મુસાફરોનું સંચાલન કરવા માટે બનાવવામાં આવ્યું છે. ભીડ સાથે, આ ક્ષમતા વધીને 2,200 થશે. રેલ્વેએ જણાવ્યું હતું કે, નજીકના ભવિષ્યમાં મુસાફરો તેમજ સ્થાનિક વસ્તી માટે આ વિસ્તારમાં રિટેલ, ફૂડ અને મનોરંજન કેન્દ્રો ખોલવાની યોજના છે. બિગ બઝાર અને શોપર્સ સ્ટોપએ સ્ટેશન પર તેમના કેન્દ્રો ખોલવાની ઇચ્છા વ્યક્ત કરી છે.
સ્ટેશનના પ્લેટફોર્મ્સ સબ-વે દ્વારા જોડાયેલા છે, અહીં એક લક્ઝરી હોટલ પણ છે!
પ્લેટફોર્મ બે સબવે દ્વારા જોડાયેલા છે. તેમાં બેસવાની પૂરતી વ્યવસ્થા છે. અહીં એસ્કેલેટર અને લિફ્ટની સુવિધા પણ છે. સ્ટેશનની ઉપર એક લક્ઝરી હોટલ પણ છે. આ હોટેલમાં 318 રૂમ છે, આ હોટલ 7,400 ચોરસ મીટરમાં ફેલાયેલી છે. આ હોટલ પર 790 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. તેનું સંચાલન કોઈ ખાનગી સંસ્થા કરશે. રેલવે અધિકારીઓએ કહ્યું કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ પ્રધાન અમિત શાહ વર્ચુઅલ પ્રોગ્રામ દ્વારા તેનું ઉદ્ઘાટન કરશે. રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવ, ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી ગાંધીનગરમાં યોજાનારા કાર્યક્રમમાં ભાગ લઈ શકે છે.