9th Integrated Ratings of State Power Distribution : કેન્દ્રીય ઉર્જા પ્રધાન આર.કે.સિંઘે 16 જુલાઈએ રાજ્ય વીજ વિતરણ એકમો માટે 9મું એકીકૃત રેટિંગ બહાર પાડ્યું. અ રેટીંગમાં ભાગ લેવા માટે ઉર્જા પ્રધાને તમામ રાજ્યોની વીજ વિતરણ કંપનીઓની પ્રશંસા કરી.
DELHI : ફરી એક વાર કેન્દ્ર કક્ષાએ ગુજરાત (GUJARAT) નું ગૌરવ વધ્યું છે. કેન્દ્રીય ઉર્જામંત્રાલય (Ministry of Power) ના 9માં વાર્ષિક રેટિંગમાં ગુજરાતની ચારેય સરકારી વીજકંપનીઓ UGVCL, DGVCL, PGVCL અને MGVCL એ દેશભરની 41 કંપનીઓ સામે પ્રથમ ચાર ક્રમાંકે સ્થાન મેળવી A+રેટિંગ મેળવ્યું છે. કેન્દ્રીય ઉર્જા પ્રધાન આર.કે.સિંઘે (R.K. Singh)16 જુલાઈએ રાજ્ય વીજ વિતરણ એકમો માટે 9મું એકીકૃત રેટિંગ બહાર પાડ્યું. ઉર્જા પ્રધાને તમામ રાજ્યોની વીજ વિતરણ કંપનીઓની પ્રશંસા કરતા કહ્યું કે નાણાકીય વર્ષ 2019 – 20 ના રેટિંગ માટે વિવિધ રાજ્યોની 41 વીજ કંપનીઓએ 9 મી વાર્ષિક એકીકૃત રેટિંગમાં ઉત્સાહભેર ભાગ લીધો છે.
A+ રેટિંગ સાથે પ્રથમ ચાર સ્થાને ગુજરાતની ચારેય વીજકંપનીઓ
કેન્દ્રીય ઉર્જામંત્રાલય (Ministry of Power) ના 9માં વાર્ષિક રેટિંગમાં ગુજરાતની ચારેય સરકારી વીજકંપનીઓ UGVCL, DGVCL, PGVCL અને MGVCL A+ રેટિંગ સાથે પ્રથમ ચાર સ્થાને રહી છે. આમાં સૌથી પહેલા ક્રમે દક્ષીણ ગુજરાત વીજકંપની લિ. (DGVCL) છે, બીજા સ્થાને ઉત્તર ગુજરાત વીજકંપની લિ. ( UGVCL), ત્રીજા સ્થાને મધ્ય ગુજરાત વીજકંપની લિ. (MGVCL) અને ચોથા સ્થાને પશ્ચિમ ગુજરાત વીજકંપની લિ. (PGVCL) રહી છે. આ રેટિંગ વિવિધ પેરામીટર્સને આધારે 100 ગુણાંક માંથી આપવામાં આવ્યું છે.
વર્ષ 2005 માં અસ્તિત્વમાં આવી છે ગુજરાતની આ ચાર કંપનીઓ
ગુજરાતની આ ચાર કંપનીઓ ચારેય સરકારી વીજકંપનીઓ UGVCL, DGVCL, PGVCL અને MGVCL 16 વર્ષ પૂર્વે વર્ષ 2005 માં અસ્તિત્વમાં આવી હતી. 1 એપ્રિલ, 2005થી ગુજરાત ઈલેક્ટ્રીસીટી બોર્ડ (GEB)નું પુનર્ગઠન કર્યું. જેમાં GEB ના ઉત્પાદન, ટ્રાન્સમિશન અને વિતરણ માટે સાત કંપનીઓ બનાવવામાં આવી હતી. જેમાં
ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિ. (GUVNL) ને હોલ્ડીંગ કંપની,
ગજરાત સ્ટેટ ઈલેક્ટ્રીસીટી કોર્પોરેશન લિ. (GUJCEL) ને જનરેશન કંપની,
ગુજરાત ઈલેક્ટ્રીસીટી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિ. (GETCO) ને ટ્રાન્સમિશન કંપની,
અને ઉપરોક્ત ચાર UGVCL, DGVCL, PGVCL અને MGVCLકંપનીઓને વિતરણ કંપની બનાવવામાં આવી હતી.
અસ્તિત્વમાં આવ્યાના 16 વર્ષમાં જ આ ગુજરાતની અ ચારેય વીજવિતરણ કંપનીઓ દેશના તમામ રાજ્યોની વીજ કંપનીઓને પછાડી દેશમાં અગ્રેસર બની છે, જે ગુજરાત માટે ગૌરવની વાત છે.