કેન યું બિલીવ? પીગાસસે મોદીના મંત્રીઓ, સંઘના નેતા, સુપ્રીમના જજો, પત્રકારોના ફોન ટેપ કર્યા

સુબ્રમણ્યમ સ્વામીનો ટ્વિટર પર ૨૫૦૦ લોકોના ફોન ટેપ થયાનો ઘટસ્ફોટ

ઈઝરાયેલની કંપની પીગાસસના સોફ્ટવેરથી ફોન ટેપ કરવા અને જાસૂસી કરવાનો જિન્ન ઑક્ટોબર ૨૦૧૯ પછી લગભગ ૧૮ મહિને ફરી એક વખત સામે આવી શકે છે. મોદી સરકારના મંત્રીઓ, આરએસએસના નેતાઓ, સુપ્રીમ કોર્ટના જજો અને પત્રકારોના ફોન ટેપિંગ માટે ઈઝરાયેલની કંપની પીગાસસને હાયર કરાઈ હોવાના વિસ્ફોટક સમાચાર રવિવારે રાત્રે વિદેશી મીડિયામાં જાહેર થવાનો છે તેમ સુબ્રમણ્યમ સ્વામીએ કરેલી ટ્વીટથી રાજકીય વર્તૂળોમાં હોબાળો મચી ગયો છે.

કોંગ્રેસ સાંસદ કાર્તિ ચિદમ્બરમ અને પત્રકાર શીલા ભટ્ટે પણ આ સંદર્ભમાં મોઘમ ટ્વીટ કરી હોવાનું ધ વીક મેગેઝીનના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે. સૂત્રોના જણાવ્યા મુજબ અંદાજે ૨૫૦૦ લોકોના ફોન ટેપ થયા હોવા અંગે વિદેશી મીડિયામાં મોટો ખુલાસો થઈ શકે છે. જે લોકોના ફોન ટેપ થયા છે તેમાં અનેક મંત્રી, નેતા, સુપ્રીમના જજ અને પત્રકારોનો સમાવેશ થાય છે.

સુબ્રમણ્યમ સ્વામીએ રવિવારે એક ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, ચર્ચા છે કે આજે રાત્રે વોશિંગ્ટન પોસ્ટ અને લંડન ગાર્ડિયન મોદી કેબિનેટના મંત્રીઓ, આરએસએસના નેતાઓ, સુપ્રીમ કોર્ટના જજો અને પત્રકારોના ફોન ટેપ કરવા માટે ઈઝરાયેલની કંપની પીગાસસને હાયર કરવામાં આવી હોવાનો રિપોર્ટ પ્રકાશિત કરશે. જો મને આ બાબતની પુષ્ટી મળશે તો હું લીસ્ટ જાહેર કરીશ.

ઈઝરાયેલની કંપનીનું જાસૂસી સોફ્ટવેર પીગાસસ ઑક્ટોબર ૨૦૧૯માં સમગ્ર વિશ્વમાં અંદાજે ૧,૪૦૦થી વધુ લોકોના ફોન ટેપ કરવાના મુદ્દે ચર્ચામાં આવી હતી. પીગાસીસ દ્વારા સમગ્ર વિશ્વમાં રાજદ્વારીઓ, રાજકીય અસંતુષ્ટો, પત્રકારો, વરિષ્ઠ સરકારી અધિકારીઓના ફોન ટેપ થયા હોવાનો દાવો કરાયો હતો. ભારતમાં પણ બે ડઝનથી વધુ શિક્ષણશાસ્ત્રીઓ, વકીલો, દલિત એક્ટિવિસ્ટ્સ, પત્રકારોની જાસૂસી માટે પીગાસસનો ઉપયોગ કરાયો હતો. ઑક્ટોબર ૨૦૧૯માં વોટ્સએપે આ જાસૂસી માટે એનએસઓ ગ્રૂપ સામે કેસ પણ કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *