નાણાં રાજ્ય પ્રધાને ગૃહમાં કહ્યું કે ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (DRI) અને SEBI અદાણી ગ્રુપની કેટલીક કંપનીઓની તપાસ કરી રહ્યા છે. આ પૂછપરછ સેબીના નિયમન સાથે સંબંધિત છે.
અદાણી ગ્રુપ(Adani Group ) વિશે વધુ એક ચિંતાના સમાચાર આવી રહ્યા છે. નાણાં રાજ્ય પ્રધાને ગૃહમાં કહ્યું કે ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (DRI) અને SEBI અદાણી ગ્રુપની કેટલીક કંપનીઓની તપાસ કરી રહ્યા છે. આ પૂછપરછ સેબીના નિયમન સાથે સંબંધિત છે. આ સમાચાર સામે આવ્યા બાદગૌતમ અદાણી(Gautam Adani)ના અદાણી ગ્રૂપના શેરમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો.
તાજેતરમાં જ મોદી સરકારે મંત્રીમંડળમાં ધરખમ ફેરફાર કર્યા હતા. હવે ભાગવત કિશન રાવ અને પંકજ ચૌધરીને નાણાં રાજ્યમંત્રીની જવાબદારી સોંપવામાં આવી છે. અગાઉ આ જવાબદારી અનુરાગ ઠાકુરની હતી. અનુરાગ ઠાકુરને રમત ગમત અને યુવા બાબતોના મંત્રાલય અને માહિતી અને પ્રસારણ મંત્રાલયની જવાબદારી સોંપવામાં આવી છે. નાણાં રાજ્ય પ્રધાને ગૃહમાં જણાવ્યું હતું કે હાલમાં સેબી અને ડીઆરઆઈ અદાણી ગ્રુપની કેટલીક કંપનીઓ સાથે મળીને તપાસ કરી રહ્યા છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા કોઈ તપાસ કરવામાં આવી રહી નથી.
અદાણી ગ્રૂપે આ સમગ્ર મામલે શું કહ્યું ?
અદાણી ગ્રૂપે ચોમાસું સત્રમાં સેબી અને ડીઆરઆઈની તપાસના મામલે ટ્વિટર પર ટ્વીટ કરીને પોતાનું નિવેદન આપ્યું હતું. જેમાં અદાણી ગ્રૂપે જણાવ્યું હતું કે, તાજેતરમાં જ અદાણી ગ્રુપને સેબી અને ડીઆરઆઈ તરફથી કોઈ નોટિસ મળી નથી. સાથે જ તેમણે સ્પષ્ટતા કરી કે, આ મામલો 5 વર્ષ જૂનો છે. જે સંસદમાં જણાવાયું છે.
એનએસડીએલ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી મની લોન્ડરિંગ સાથે જોડાયેલી દેખાઈ રહી છે. જૂનમાં અદાણી શેર અંગે આવેલા અહેવાલોથી પ્રકાશમાં આવેલા ત્રણેય ભંડોળ મોરેશિયસ આધારિત છે અને સેબી સાથે નોંધાયેલા પણ છે. રિપોર્ટ અનુસાર, ત્રણેય કંપનીઓનું સરનામું એક સરખા છે. પોર્ટ લૂઇસ શહેરનું નામ સરનામાંમાં નોંધાયેલું છે જે મોરેશિયસની રાજધાની છે. આ સિવાય આ ત્રણેય કંપનીઓની કોઈ વેબસાઇટ નથી.
આ ત્રણેય ફંડ્સે અદાણી ગ્રૂપની ચાર કંપનીમાં નોંધપાત્ર રોકાણ કર્યું છે. તે ત્રણેય મળીને અદાણી એન્ટરપ્રાઇઝમાં 6.82 ટકા, અદાણી ટ્રાન્સમિશનમાં 8.03 ટકા હિસ્સો, અદાણી ટોટલ ગેસમાં 5.92 ટકા હિસ્સો અને અદાણી ગ્રીનમાં 3.58 ટકા હિસ્સો ધરાવે છે. અદાણી જૂથની છ કંપનીઓ બજારમાં લિસ્ટેડ છે. આ છ કંપનીઓ છે – અદાણી એન્ટરપ્રાઇઝ, અદાણી પોર્ટ અને સેઝ, અદાણી ટ્રાન્સમિશન, અદાણી પાવર, અદાણી ટોટલ ગેસ અને અદાણી ગ્રીન એનર્જી છે