ભાવનગરના અન્ય એક વ્યક્તિની ધરપકડ થતાં જીએસટી વિભાગે ૧૦૦૦ કરોડના નકલી બિલિંગ કૌભાંડમાં કુલ સાત આરોપીની ધરપકડ કરી છે. નકલી બિલિંગ કૌભાંડમાં સંડોવાયેલા રોહિત ડાભીની સોમવારે મોડી રાત્રે ધરપકડ કરવામાં આવી હતી.
અગાઉ ભાવનગરના 4 ઇસમોની ધરપકડ કરવામાં આવી હતી અને તેઓની વિસ્તૃત પુછપરછ અને બાતમીના આધારે રોહિતભાઇ બાબુભાઇ ડાભીની ધરપકડ કરી અને કોર્ટ સમક્ષ રજુ કરવામાં આવતા તેઓને 22મી જુલાઇ સુધીના રીમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે.
રોહિત ડાભી દ્વારા બોગસ પેઢીઓ ઉભી કરી અને રૂપિયા 64.64 કરોડના ખોટા બિલો ઇશ્યુ કરી અને રૂ.11.63 કરોડની ખોટી વેરાશાખ મેળવી લીધી હોવાનું ફલીત થયુ છે. કરચોરીના ગુનામાં તેઓની સક્રિય સંડોવણી સપાટી પર આવી છે. તેથી સ્ટેટ જીએસટીની ટીમો દ્વારા રોહિતભાઇ બાબુભાઇ ડાભીની ધરપકડ કરી અને તા.20ના રોજ એડીશનલ ચિફ મેટ્રોપોલીટન મેજીસ્ટ્રેટ કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટ દ્વારા તા.22મુ સુધી કસ્ટોડીયલ ઇન્ટ્રોગેશન મંજૂર કરવામાં આવ્યા છે. ડાભીની આગવી ઢબે પુછપરછ કરવામાં આવશે અને હજુ વધુ લોકો આ કૌભાંડમાં સામેલ હોવાથી આગામી દિવસોમાં વધુ ધરપકડો કરવામાં આવનારી હોવાનું તંત્રે સંકેતો આપ્યા છે.
આ મહિનાની શરૂઆતમાં નવ કંપનીઓ પર દરોડા પાડવામાં આવ્યા હતા જેમાં જીએસટી વિભાગે અફઝલ સાદિક અલીની અને મીના રાઠોડ ની ધરપકડ કરી હતી
ગયા અઠવાડિયે, તેઓએ ચાર વ્યક્તિઓની ધરપકડ કરી હતી જેમાં જાહિદ કબારીયા, નટવરગિરિ ગોસ્વામી, વિક્રમભાઇ બરાૈયા અને એઝાઝ શેખ ની ધરપકડ કરવામાં આવી હતી અને હવે રોહિત ડાભી ની ધરપકડ કરવામાં આવી છે અને નીલેશ પટેલ હજુ સુધી ફરાર છે.
સ્ટેટ જીએસટીની ટીમો દ્વારા દરોડાની કાર્યવાહી દરમિયાન ભાગેડુ ઘોષિત થયેલા નિલેશ નટુભાઇ પટેલ સામે અમદાવાદની એડીશનલ ચિફ મેટ્રોપોલિટન કોર્ટમાં આઇપીસીની કલમ 174 તળે ધોરણસરની ફરિયાદ તંત્ર દ્વારા નોંધાવવામાં આવી છે.
ત.7મી જુલાઇથી માધવ કોપર લિમિટેડના ડીરેક્ટરોના રહેઠાણ, ઓફિસ અને ફેક્ટરીમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. હિસાબી સાહિત્યની ઉંડાણપૂર્વક ચકાસણી હાથ ધરવામાં આવતા માધવ કોપર લિમિટેડના ડીરેક્ટર નિલેશ નટુભાઇ પટેલે સમગ્ર કાૈભાંડ રચી બોગસ ખરીદીઓ થકી ખોટી વેરાશાખ મેળવી છે. માધવ કોપર દ્વારા જુલાઇ-2017થી અત્યારસુધી દર્શાવેલ કુલ ખરીદીઓ પૈકી લગભગ 80% જેટલી ખરીદીઓ બોગસ પેઢીઓ પાસેથી દર્શાવેલ હોવાનું જણાઇ આવ્યુ છે.
અત્યારસુધીની તપાસ મુજબ આવી રીતે ખોટી મેળવેલ વેરાશાખ થકી તેઓએ કુલ રૂપિયા 763 કરોડના ખોટા બિલો મેળવી રૂ.137 કરોડની ખોટી વેરાશાખ તેમજ ભૌતિક માલ સ્ટોક અને હિસાબી સાહિત્ય મુજબના માલ સ્ટોક તફાવત અંગેનો વેરો રૂ.2.83 કરોડ મળી કુલ રૂ.14011 કરોડની કરચોરી કરેલ છે. કાર્યવાહી દરમિયાન સ્પષ્ટ થયેલ છે કે માધવ કોપર લિમિટેડ બોગસ પેઢીઓ પાસેથી ખરીદી દર્શાવી ખરીદી પેટેના નાણા RTGSથી આવી બોગસ પેઢીઓમાં ટ્રાન્સફર કરતા હતા અને બદલામાં ટ્રાન્સફર થયેલા નાણા સીધી કે અન્ય બોગસ પેઢીઓમાં ચેનલાઝ કરી રોકડમાં ઉપાડી લેવામાં આવતા હતા. આ રીતે રોકડેથી નાણા ઉપાડી વિવિધ આંગડીયા પેઢી મારફતે માધવ કોપર લિમિટેડના માણસને મોકલી આપવમાં આવતા હતા. કંપનીના ડીરેક્ટર નિલેશ પટેલ હાલ ફરાર છે. અને કંપનીની ફેક્ટરીની જમીન (બજાર કિંમત આશરે 57 કરોડ) બેંક એકાઉન્ટ, અંદાજે રૂ.10 કરોડનો માલ સ્ટોક, સ્ટાફ કોલોનીના બે પ્લોટની મીલકતો, પ્લાન્ટ, મશીનરી તેમજ નિલેશ પટેલના રહેઠાણનો બંગલો, ખેતી લાયક જમીન ઉપર ટાંચ મુકવામાં આવી છે.