UP માં 30 હજાર રૂપિયા લેવા માટે પતિ જીવતો હોવા છતાં 21 મહિલાઓ ‘વિધવા’!

ઉત્તર પ્રદેશ ના અગાઉ ગોરખપુર, બલરામપુર, ચિત્રકૂટ, કાનપુર સહિત અનેક જિલ્લાઓમાંથી આવા કૌભાંડ સામે આવ્યા છે

ભ્રષ્ટ અધિકારીઓ અને દલાલોની સાંઠગાંઠે ઉત્તર પ્રદેશ સરકારની વધુ એક લાભકારી યોજનામાં કૌભાંડ કર્યું છે. આ વખતે ભ્રષ્ટ અધિકારીઓ અને દલાલોએ રાષ્ટ્રીય પારિવારિક લાભ યોજનામાંથી સરકારી ધન હડપી લીધું છે. 30 હજાર રૂપિયા માટે 21 મહિલાઓને વિધવા બનાવી દીધી છે, જ્યારે હકીકતમાં તેમના પતિ જીવીત છે.

ઉત્તર પ્રદેશ સરકારે રાષ્ટ્રીય પારિવારિક લાભ યોજનાની શરૂઆત કરી છે. આ યોજનામાં ગરીબી રેખા નીચે રહેતા પરિવારના કમાઉ મુખિયાનું 60 વર્ષની ઉંમર પહેલા કસમયે મોત થાય તો તેની પત્નીને 30,000 રૂપિયાની સહાયતા રાશિ મળે છે. ભ્રષ્ટ અફસરો અને દલાલોએ ગરીબ વિધવા મહિલાઓને મળતી આ 30,000 રૂપિયાની રકમ હડપ કરી લીધી છે.

મહિલાઓને મળ્યા 10-15 હજાર, બાકી દલાલ ખાઈ ગયો

જાણવા મળ્યા મુજબ લખનૌના સરોજની નગર ખાતે આવેલા બંથરા અને ચંદ્રાવલ ગામમાં 2019-20 અને 2020-21ના વર્ષમાં કુલ 88 લોકોને આ યોજનાનો લાભ આપવામાં આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે, લાભ મેળવનારી આ મહિલાઓમાંથી 21 મહિલાઓ એવી હતી જેમનો પતિ જીવીત છે અને મહિલાઓએ ખોટી રીતે સહાય મેળવી.

આ છેતરપિંડીમાં દલાલ અને ભ્રષ્ટ અધિકારીઓનું કમિશન બંધાયેલું હતું. લાભાર્થી મહિલાઓને 30,000માંથી 10-15 હજાર રૂપિયા મળતા હતા અને બાકીની રકમ દલાલ અને અધિકારીઓ વહેંચી લેતા હતા.

જોકે આ કોઈ પહેલી ઘટના નથી. અગાઉ ગોરખપુર, બલરામપુર, ચિત્રકૂટ, કાનપુર સહિત અનેક જિલ્લાઓમાંથી આવા કૌભાંડ સામે આવ્યા છે અને વિભાગીય કર્મચારીઓને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *