1 ઓગસ્ટથી રજાના દિવસે પણ સેલરી મળશે, તેમજ અકાઉન્ટમાંથી EMI પણ કટ થઈ જશે ; RBI એ NACH સીસ્ટમ માં ફેરફાર કર્યો

1 ઓગસ્ટથી બેંક દ્વારા કરવામાં આવતી ઘણી લેવડદેવડ રવિવાર અને રજાના દિવસે પણ થઈ શકશે. RBIએ નેશનલ ઓટોમેટેડ ક્લિયરિંગ હાઉસ (NACH) સિસ્ટમને સાતેય દિવસ ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે. એટલે કે હવે તમારે સેલરી અથવા પેન્શન માટે શનિવાર અને રવિવાર એટલે કે વીકેન્ડ પૂરો થાય તેની રાહ નહીં જોવી પડે.

તે સિવાય રજાના દિવસે તમારા અકાઉન્ટમાંથી હપ્તો પણ કટ થઈ જશે. એટલે કે 1 ઓગસ્ટથી સેલરી, પેન્શન અને EMI પેમેન્ટ જેવા જરૂરી ટ્રાન્ઝેક્શન માટે હવે વર્કિંગ ડેઝની રાહ નહીં જોવી પડે.

આ નવી સુવિધા શરૂ થયા બાદ રવિવાર અથવા રજાના દિવસે પણ કર્મચારીઓના બેંક ખાતામાં સેલરી જમા થઈ શકશે. તે ઉપરાંત તમારા ખાતામાંથી આપમેળે થતી તમામ પ્રકારની ચૂકવણી પણ રવિવાર અને રજાના દિવસે થઈ શકશે.

તેમાં મ્યુચ્યુઅલ ફંડ SIP, ઘર-કાર અથવા પર્સનલ લોનના માસિક હપ્તા (EMI),ટેલિફોન, ગેસ અને વીજળી જેવા બિલોની ચૂકવણી પણ સામેલ છે. અત્યાર સુધી રજાના દિવસે લેવડદેવડ ન થવાનું કારણ એ હતું કે મોટાભાગની કંપનીઓ સેલરી અને અન્ય પ્રકારની ચૂકવણી માટે NACHનો ઉપયોગ કરે છે. રવિવારે અથવા બેંકની રજાના દિવસે તેની સુવિધા ઉપલબ્ધ નથી હોતી. અત્યારે આ સુવિધા બેંકોમાં કાર્ય દિવસોમાં જ ઉપલબ્ધ છે.

જો તમે તમારા બેંક ખાતામાંથી કોઈપણ પ્રકારના EMI અથવા બિલને આપમેળે ચૂકવણી અથવા ECSની સુવિધા લઈ રાખી છે, તો 1 ઓગસ્ટથી ખાતામાં પર્યાપ્ત બેલેન્સ રાખવું. જો તમે આવું નહીં કરો અને બેલેન્સ ઓછું હોવાને કારણે પેમેન્ટ ફેલ થઈ જાય છે તો બેંક અથવા અન્ય નાણાકીય સંસ્થા દ્વારા તમારા પર પેનલ્ટી લાદવામાં આવી શકે છે. વર્તમાન સિસ્ટમ અંતર્ગત રવિવારે પર્યાપ્ત બેલેન્સ ન હોવાથી અને સોમવારે પૈસા જમા થવાથી હપ્તા અથવા બિલની ચૂકવણી સોમવારે થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *