પહેલી ઓગષ્ટના રોજ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC- United Nations Security Council) ની અધ્યક્ષતા ભારત દેશ સંભાળશે. આ દરમિયાન ભારત ત્રણ પ્રમુખ ક્ષેત્રો સમુદ્રી સુરક્ષા, શાંતિ એટલે કે પીસ કિપિંગ અને આતંકવાદને રોકવા સંબંધિત વિશેષ કાર્યક્રમોની મેજબાની કરવા માટે તૈયાર છે.
15 રાષ્ટ્રોના શક્તિશાળી કાઉન્સિલની અધ્યક્ષતા:
સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ રાજદૂત એવા ટી એસ તિરુમૂર્તિએ 15 રાષ્ટ્રોના શક્તિશાળી સંયુક્ત રાષ્ટ્ર કાઉન્સિલની ભારત દ્વારા અધ્યક્ષતા સંભાળવાની પૂર્વ સંધ્યા પર એક વીડિયો સંદેશ આપ્યો હતો જેમાં તેઓ એ કહ્યું કે આપણા માટે જે માસમાં આપણે આપણો 75મો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યા છે તે જ માસમાં સુરક્ષા પરિષદની અધ્યક્ષતા સંભાળવી એ વિશેષ સન્માનજનક વાત છે.
ભારતની અધ્યક્ષતાનો પહેલો દિવસ બીજી ઓગષ્ટ, સોમવાર ના હશે. જ્યારે તિરુમૂર્તિ મહિના માટે પરિષદના કાર્યક્રમો પર સંયુક્ત રાષ્ટ્ર હેડક્વાર્ટરમાં પ્રેસ કોન્ફરન્સ કરશે. કેટલાક લોકો ત્યાં પ્રત્યક્ષ હાજર રહેશે જ્યારે અન્ય કેટલાક વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા જોડાઈ શકે છે. સંયુક્ત રાષ્ટ્ર દ્વારા જારી થયેલા કાર્યક્રમ મુજબ તિરુમૂર્તિ સંયુક્ત રાષ્ટ્રના તે સભ્ય દેશોને પણ કાર્ય વિવરણ ઉપલબ્ધ કરાવશે જે પરિષદના સભ્ય નથી.
સુરક્ષા પરિષદના અસ્થાયી સભ્ય તરીકે ભારતનો બે વર્ષનો કાર્યકાળ એક જાન્યુઆરી 2021ના રોજ શરૂ થયો હતો. ઓગષ્ટની અધ્યક્ષતા સુરક્ષા પરિષદના અસ્થાયી સભ્ય તરીકે 2021-22 કાર્યકાળ માટે ભારતની પહેલી અધ્યક્ષતા હશે. ભારત પોતાના બે વર્ષના કાર્યકાળના અંતિમ માસ એટલે કે આગામી વર્ષ ડિસેમ્બરમાં ફરીથી પરિષદની અધ્યક્ષતા કરશે.
તેમણે જણાવ્યું કે આતંકવાદ વિરુદ્ધ લડતમાં સૌથી આગળ રહેતા દેશ તરીકે ભારત, આતંકવાદ રોકવાના પ્રયત્નો ઉપર સતત ભાર આપતો રહેશે. તિરુમૂર્તિએ કહ્યું કે પરિષદમાં ભારતના છેલ્લા સાત મહિનાના કાર્યકાળમાં અમે ભિન્ન ભિન્ન મુદ્દાઓ પર એક સૈદ્ધાંતિક અને દૂરંદર્શી દ્રષ્ટિ અપનાવી છે. અમને જવાબદારીઓનો ડર નથી લાગતો. અમે સક્રિય રહ્યા છીએ. અમે અમારી પ્રાથમિકતાવાળા ટોપિક પર ધ્યાન દોર્યું જ છે.