આ ભાગમભાગ વાળી જિંદગી માં ક્યારેક જાણે શ્વાસ લેવાનું ભૂલાય જતું હોઈ એવું લાગે, નઈ? ખુબ જ વ્યસ્ત રહેતી જિંદગી અને એમાં પણ કોઈ દિવસ ના પતે એવા કામો નો ઢગલો થતો જ જાય થતો જાય. એવા માં સહજ થાય કે યાર કઈક ખૂટે છે. બસ તો આ એકધારી દોડતી ગાડી માં ભાઈસાબ એક શોર્ટબ્રેક મારો ને ગાડી ને સાઈડ માં ઉભી રાખો. જો તમે તણાવયુક્ત અને ચિંતાજનક છો તો મેડિટેશન તમારા માટે બેસ્ટ છે. માત્ર થોડી મિનિટો સુધી પણ મેડિટેશન કરવામાં આવે તો તમને ખરેખર આંતરિક શાંતિનો અનુભવ થશે. મેડિટેશન કોઇ પણ કરી શકે છે. હા, કોઈ પણ! ખુબ જ સરળ છે અને તેને કરવાથી મગજ પણ નીરવ એટલે કે શાંત રહે છે. બોડી રિલેક્સ થઈ જાય છે. તમે બહાર ફરવા ગયા હોય કે, બસની મુસાફરી કરી રહ્યા હોય, ડોક્ટરના ઓફિસમાં રાહ જોઇ રહ્યા હોય કે વ્યાવસાયિક મીટિંગમાં વ્યસ્ત હોવ, મેડિટેશન તમે ગમે ત્યાં કરી શકો છો. અરે! તમે ચા પીતાં પીતાં પણ મેડીટેશન કરી શકો છો.
હેલ્થલાઇનની એક રિપોર્ટ અનુસાર મેડિટેશન કરવાથી જીવન પ્રત્યે વધુ સકારાત્મક દ્રષ્ટિકોણ પ્રાપ્ત થાય છે એટલે કે પોઝીટીવીટી આવે છે. દાખલા તરીકે 3500થી વધુ વયસ્કોને અપાયેલ સારવારની એક સમીક્ષામાં સામે આવ્યું કે, માઇન્ડફુલનેસ મેડિટેશને હતાશાના લક્ષણોમાં સુધાર કર્યો હતો. તો આ માઇન્ડફુલનેસ એટલે વળી શું? માઇન્ડફુલનેસ એ સંપૂર્ણ પણે હાજર રહેવાની મૂળભૂત માનવીય ક્ષમતા છે, આપણે ક્યાં છીએ અને આપણે શું કરી રહ્યા છીએ તે વિશે જાગૃત રહેવું, અને આપણી આસપાસ જે ચાલી રહ્યું છે તેનાથી વધુ પડતું પ્રત્યાઘાતી અથવા અભિભૂત ન થવું. માનસિકતાનું લક્ષ્ય આપણી માનસિક, ભાવનાત્મક અને શારીરિક પ્રક્રિયાઓની આંતરિક કામગીરીને જાગૃત કરવાનું છે
કેટલાય વર્ષોના વર્ષો થી મેડિટેશનનો અભ્યાસ કરવામાં આવે છે. મેડિટેશન એક પ્રકારે મન-શરીરની પૂરક ઔષધિ છે. તે વિશ્રામની એક ઊંડી અવસ્થા છે, જે મનમાં પરમ શાંતિ ઉત્પન્ન કરે છે. આ દરમિયાન તમે તમારું ધ્યાન કેન્દ્રિત કરો છો અને ગૂંચવણ ભરેલા એવા વિચારોમાંથી બહાર નીકળો છો, જેનાથી તણાવ પેદા થાય છે. એટલે કે મેડિટેશન તણાવથી દૂર રહેવામાં મદદરૂપ બને છે. કહેવાય છે કે માનવી ને એક દિવસ માં ૬૦૦૦૦ જેટલા વિચારો ઉઠે છે. મેડીટેશન થી આ વિચારો ને ઓછા કરી શકાય તેમજ જરૂરી હોઈ એ જ વિચારો પર ધ્યાન કેન્દ્રિત કરી શકાય છે.
વધતી જતી ઉંમરમાં યાદશક્તિ સંબંધિત સમસ્યાઓને દૂર કરવામાં મદદરૂપ થાય છે. ખોટા વિચારો અને વિક્ષેપો દુર થતા જ મગજ આપોઆપ ખીલે છે અને નવી શક્તિ સર્જે છે. યાદશક્તિ વધારવા મેડીટેશન કરવામાં આવે છે. ધ્યાન કેન્દ્રિત થતું હોઈ અભ્યાસ માં આપોઆપ એ મદદ કરે છે. ધ્યાનનો ઉદ્દેશ્ય પોતાના મગજમાં વિચારોના પ્રવાહોને રોકવાનો કે ઓછો કરવાનો છે. જોકે તે એકદમ સરળતાથી નથી થતું. પરંતુ થોડા દિવસો સુધી તમે જો તેનો રેગ્યુલર અભ્યાસ કરશો તો સહેલાઇ થી કરી શકશો. તેના કાયમ અભ્યાસથી મનને સ્થિર કરતા રહો અને જોવો પછી તમને મેડીટેશન ક્યાં સુધી લઇ જાય છે. અને તમને જે અનુભવ થાય એ બીજા ને પણ જણાવો જેથી એ લોકો પણ પ્રેરાય અને સારું જીવન જીવતા થાય.