ટોક્યો ઓલમ્પિકમાં ભારતીય હોકી ટીમે (Indian Hockey) ઈતિહાસ સર્જ્યો છે. બ્રોન્ઝ મેડલ માટેના મુકાબલા માં ભારતે જમર્ની ને 5-4 થી હરાવી દીધું છે. એક સમયે ભારત 3-2થી પાછળ થઈ ગયું હતું, પરંતુ ભારતે ભારી વાપસી કરતાં પોતાને આગળ કરી દીધું. ત્રીજા ક્વાર્ટરની શરૂઆતમાં પેનલ્ટી સ્ટ્રોકને ગોલમાં ફેરવીને જોરદાર વાપસી કરતાં ભારતે 4-3થી સરસાઈ મેળવી લીધી. તેની થોડી મિનિટો બાદ સિમરનજીતે મેદાની ગોલ કરીને સ્કોર 5-3 કરી દીધો હતો. ચોથા ક્વાર્ટરમાં જર્મનીના વિંડેફેડરે પેનલ્ટી કોર્નર પર ટીમને ચોથો ગોલ કરી દીધો હતી. જેને કારણે ભારતીય ટીમની સરસાઈ 5-4થી થઈ ગઈ હતી. આ પહેલા ભારતે બીજા ક્વાર્ટરની સમાપ્તિ પર મુકાબલાને 3-3થી બરાબરી પર લાવી દીધો હતો. ભારતને 41 વર્ષ બાદ હોકીમાં મેડલ મળ્યો છે.
આ મેચ કે જે બ્રોન્ઝ મેડલ માટેનો મુકાબલો હતો જેમાં જર્મનીએ ખૂબ જ આક્રમક શરૂઆત કરી. બીજી મિનિટમાં જ જર્મનીના ઉરૂજે ગોલ કરી ટીમને 1-0થી સરસાઈ અપાવી દીધી. પહેલા ક્વાર્ટર સુધી જર્મનીની ટીમ 1-0થી આગળ હતી. 17મી મિનિટમાં સિમરનજીત સિંહે ગોલ કરીને સ્કોર 1-1થી બરાબર કરી દીધો. ત્યારબાદ જર્મની તરફથી 24મી મિનિટમાં નિકોલસ વેલને અને 25મી મિનિટમાં બેનિડિડ ફુર્કેએ ગોલ કરીને ટીમને 3-1થી સરસાઈ અપાવી હતી.
ઉલ્લેખનિય છે કે, ભારતીય પુરુષ હૉકી ટીમને સેમીફાઇનલમાં હાર મળી હતી. વર્લ્ડ ચેમ્પિયન બેલ્જિયમે ભારતને 5-2થી હાર આપી હતી. બીજી સેમીફાઇનલમાં ઓસ્ટ્રેલિયા અને જર્મની વચ્ચે ટક્કર થઈ હતી જેમાં જર્મનીને હારનો સામનો કરવો પડ્યો હતો. જેના કારણે બ્રોન્ઝ મેડલ માટે ભારત અને જર્મનીની ટક્કર થઈ હતી જેમાં જર્મનીને હરાવી ભારતે બ્રોન્ઝ મેડલ પોતાને નામે કરી લીધો છે.