રામ ભક્તો માટે ખૂબ જ શુભ સમાચાર આવ્યા છે. અયોધ્યામાં શ્રીરામ જન્મભૂમિ પર ભૂમિપૂજનના એક વર્ષ થયું છે. રામભક્તો ૨૦૨૩નું વર્ષ પૂરું થતાં પહેલા જ ભવ્ય રામમંદિરનું દર્શન અને પૂજા અર્ચના કરી શકશે. જ્યારે સમગ્ર રામમંદિર સંકુલનું બાંધકામ ૨૦૨૫ના અંત સુધીમાં પૂરુ થવાની આશા સેવાઈ છે. શ્રીરામ જન્મભૂમિ તીર્થ ટ્રસ્ટે આ લક્ષ્યને હાંસલ કરવા માટે તેને બાંધકામની સમયબદ્ધ યોજના પણ ઘડી છે.
જાણીતું છે કે સુપ્રીમ કોર્ટના ચુકાદા પછી ભવ્ય રામમંદિરના નિર્માણનું કાર્ય પુર જોરમાં ચાલી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાંચ ઓગસ્ટ ૨૦૨૦ના રોજ રામમંદિરનો શિલાન્યાસ કર્યો. તે સમયથી જ રામલલાના મંદિરના બાંધકામનો પ્રારંભ થઈ ગયો હતો. મંદિરના નિર્માણ માટે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ટ્રસ્ટ દ્વારા ભંડોળ એકત્રિત કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ ૨૦૨૩માં આ મંદિરનું ઉદઘાટન કરશે.
જો કે તેના દર્શનની સાથે-સાથે બીજા અને ત્રીજા માળનું નિર્માણકાર્ય જારી રહેશે. ૨૦૨૫ સુધીમાં મંદિરનું સમગ્ર સંકુલ બની જશે. અયોધ્યામાં શ્રીરામ જન્મભૂમિ મંદિર પાંચ એકરમાં ફેલાયેલું હશે અને સમગ્ર સંકુલ ૭૦ એકરમાં ફેલાયેલું હશે.