જુનાગઢ વાસી ઓ માટે આજે હર્ષની અને ગૌરવ ની લાગણી થાય એવા સમાચાર આવ્યા છે. જૂનાગઢના નવાબના સાળા વઝીર બહાઉદ્દીનભાઇના નામની કોલેજને રાજ્ય સરકારે હેરિટેજ સ્મારકની યાદીમાં સ્થાન આપ્યું છે. હવે જૂનાગઢની ઓળખ સમા સ્થળો ચેતનવંતા થઇ જશે. સને 1897 માં જેનો પાયો નંખાયો હતો એ બહાઉદ્દીન કોલેજમાં વર્ષ 1900થી અભ્યાસકાર્ય શરૂ થયુ હતું. તે સમયે આ કોલેજને મુંબઈ યુનિવર્સિટિ સાથે સંલગ્ન કરવામાં આવી હતી.
અત્યારે આ કોલેજ લગભગ ઈ.સ. 1964/1965 થી સૌરાષ્ટ્ર યુનિવર્સીટી સાથે જોડાયેલી છે તેના બિલ્ડિંગનું જૂની બાંધણીવાળું કલાત્મક માળખું, એ સમયનો એશિયાનો એકપણ પીલરના ટેકા વિનાનો સેન્ટ્રલ હોલ, વગેરે બાબતોને કાયમી ધોરણે જાળવી રાખવા માટે ખુદ રાજ્ય સરકાર જ કાર્યરત થશે. આશ્ચર્ય જનક છે કે આ બિલ્ડિંગની ઇમારતમાં તેના મધ્ય ખંડ 100 ફૂટ લાંબો અને 60 ફૂટ પહોળો અને ઉંચી છત હોવા છત્તાં તેમાં એકપણ પીલર નથી! એ સ્થાનિક કારીગરની કોઠાસૂઝનો ઉત્તમ નમૂનો છે.
પ્રિ. બારસિયા એ જણાવ્યું હતું કે, આ ઐતિહાસિક કોલેજના બિલ્ડિંગની મરામતની વાતો 2 વર્ષથી ચાલતી હતી. અને 2.5 કરોડ સુધીની મર્યાદામાં કામો સુચવવાની પ્રપોઝલ ઉચ્ચ શિક્ષણ વિભાગે મંગાવી છે. અમે આ માટે સ્ટેટ પવડીનો સંપર્ક કર્યો છે. ત્યાંથી પ્રપોઝલ આવ્યા બાદ શિક્ષણ વિભાગને મોકલાશે. જેમાં ખાસ કરીને હાલ ઉપરના માળે છતમાંથી પાણી પડતું હોઇ તેની મરામત, ખવાઇ ગયેલા બારી બારણાંનું રીપેરીંગ, ટોઇલેટ બ્લોકની નીચેના ભાગે પથ્થરમાં લૂણો લાગ્યો હોઇ તે કાઢવા સહિત હેરિટેજ પ્લાસ્ટરના કામો કરાશે. તથા અન્ય રીપેરીંગ વર્ક પણ કરવામાં આવશે.