પ્રશાંત કિશોરનું મુખ્ય સલાહકાર પદેથી રાજીનામું, આ વર્ષે જ બન્યા હતા પ્રિન્સિપલ એડવાઇઝર

હમણાં થોડા સમય પહેલા જ કોંગ્રેસમાં સામેલ થવાની અટકળો વચ્ચે ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરે પંજાબના મુખ્યમંત્રી એવા અમરિંદર સિંહના પ્રમુખ સલાહકાર પદેથી રાજીનામુ આપી દીધુ છે. પ્રશાંત કિશોરે આ રાજીનામુ પણ એવા સમયે આપ્યું છે, કે જ્યારે આગામી વર્ષે પંજાબમાં વિધાનસભાની ચૂંટણી છે. જાણીતું છે કે આ વર્ષે એક માર્ચે પ્રશાંત કિશોર અમરિંદર સિંહના પ્રિન્સિપલ એડવાઇઝર બન્યા હતા અને તેમને કેબિનેટ મંત્રીનો દરજ્જો મળ્યો હતો.

પૂર્વ પ્રિન્સિપલ એડવાઇઝર પ્રશાંત કિશોરે પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહના મુખ્ય સલાહકાર પદેથી તે કહેતા રાજીનામુ આપ્યું કે તેમણે જાહેર જીવનમાં સક્રિય ભૂમિકાથી અસ્થાયી બ્રેક લેવાનો નિર્ણય કર્યો છે. મહત્વનું છે કે તેવી અટકળો હતી કે પ્રશાંત કિશોર કોંગ્રેસમાં સામેલ થઈ શકે છે, જેને લઈને તેમણે રાહુલ ગાંધી સાથે પણ બેઠક કરી હતી.

અમરિંદર સિંહને સંબોધિત પોતાના પત્રમાં પ્રશાંત કિશોરે લખ્યુ છે કે – જેમ તમે જાણો છો કે જાહેર જીવનમાં  સક્રિય ભૂમિકાથી અસ્થાયી રજા લેવાના મારા નિર્ણયને ધ્યાનમાં રાખતા, હું તમારા મુખ્ય સલાહકારના રૂપમાં જવાબદારીઓ સંભાળવામાં સક્ષમ નથી. કારણ કે મારે મારા ભવિષ્યના કાર્ય વિશે નિર્ણય લેવાનો છે, તેથી હું તમને વિનંતી કરુ છું કે મહેરબાની કરી મને આ પદેથી મુક્ત કરવાની કૃપા કરો. આ પદ માટે મને પસંદ કરવા અને અવસર આપવા માટે હું તમારો આભાર માનુ છું.

પ્રશાંત કિશોરે વર્ષ 2017માં પંજાબ વિધાનસભા દરમ્યાન કોંગ્રેસના ચૂંટણી અભિયાનની કમાન સંભાળી હતી. હાલમાં પ્રશાંત કિશોરની કંપની એટલે કે ઈન્ડિયન પોલિટિકલ એક્શન કમિટીએ પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીને ચૂંટણીમાં જીત અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. પ્રશાંત કિશોરે વર્ષ 2014ની લોકસભા ચૂંટણીમાં નરેન્દ્ર મોદીના પ્રધાનમંત્રી પદ માટે અભિયાનની કમાન સંભાળી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *