ભારતની ગોલ્ફર અદિતિ અશોક શનિવારે ટોક્યો(TOKYO) ઓલિમ્પિકમાં મેડલ ચૂકી ગઇ. તે 1 સ્ટ્રોકથી મેડલ ચૂકી ગઇ હતી. તેની પાસે એક મોટી તક હતી. કુલ 4 દિવસમાં થનાર 4 રાઉન્ડમાંથી 3 રાઉન્ડ સુધી તે બીજા સ્થાને રહી હતી. શનિવારે, ચોથા દિવસે એટલે કે અંતિમ રાઉન્ડ અદિતિ માટે ઉતાર-ચઢાવથી ભરેલો રહ્યો હતો.
અદિતિ અશોકનો જન્મ 29 માર્ચ 1998ના રોજ બેંગલુરુમાં થયો હતો. તેણે 5 વર્ષની વયે ગોલ્ફ રમવાનું શરૂ કર્યું હતું. અદિતિને પરિવારનું સંપૂર્ણ સમર્થન મળ્યું છે. સામાન્ય રીતે તેનાં માતા- કે પિતા કેડીની ભૂમિકા નિભાવે છે. ગોલ્ફમાં જે વ્યક્તિ ગોલ્ફરની કિટ બેગ સંભાળે છે તેને કેડી કહેવામાં આવે છે. અદિતિ તેની માતા સાથે ઓલિમ્પિકમાં ગઈ છે.
અદિતિ પ્રથમ ભારતીય મહિલા ગોલ્ફર છે, જેણે એશિયન યુથ ગેમ્સ (2013), યુથ ઓલિમ્પિક ગેમ્સ (2014), એશિયન ગેમ્સ (2014) માં ભાગ લીધો છે. તે લલ્લા આઈચા ટૂર સ્કૂલનું ટાઇટલ જીતનાર સૌથી નાની વયની ભારતીય પણ છે. આ જીતને કારણે તેણએ 2016 સીઝન માટે લેડીઝ યુરોપિયન ટૂર કાર્ડ માટે એન્ટ્રી મેળવી હતી. 2017માં તે ભારતની પ્રથમ મહિલા પ્રોફેશનલ ગોલ્ફર બની હતી.