(PLF) પિરિયોડિક લેબર ફોર્સ સરવેના એક વાર્ષિક રિપોર્ટ અનુસાર, 15થી 29 વર્ષની ઉમર મર્યાદામાં દેશના તમામ રાજ્યો કરતા ગુજરાતનો બેરોજગારી દર સૌથી નીચો છે એવું રાજ્ય સરકારની અખબારી યાદીમાં જણાવાયું છે. ગઈ કાલ શુક્રવારે રાજ્ય સરકાર દ્વારા યુવા રોજગાર દિવસની ઉજવણી કરવામાં આવી હતી. બીજી તરફ, બેરોજગારીના કારણે રાજ્યમાં ચાર વર્ષમાં 1095 લોકોએ આત્મહત્યા કરી છે. દેશમાં આ આંકડો 10294 છે. દેશમાં નોકરી ન હોવાના કારણે આત્મહત્યા કરનાર લોકોમાંથી 11 ટકા ગુજરાતના છે. ગુજરાત આ બાબતે દેશમાં ચોથા ક્રમે છે.
ગુજરાતમાં 8.8% પોસ્ટ-ગ્રેજ્યુએટ્સ જ્યારે 5.3% ગ્રેજ્યુએટ્સ યુવાનો બેરોજગાર છે. રાજ્યમાં 15 વર્ષની ઉપરના અને વિવિધ એજ્યુકેશન લેવલમાં સરેરાશ બેરોજગારી દર 2% છે. ડિપ્લોમા-સર્ટિફિકેટ કોર્સમાં 5.2% યુવાનો બેકાર છે. સોમવારે લોકસભામાં એક પ્રશ્નના જવાબમાં આ માહિતી આપવામાં આવી હતી. જૂન 2021માં ગુજરાતનો બેરોજગારી દર 1.8% હતો.
ભારતમાં ગુજરાત દેશનું પ્રથમ એવું રાજ્ય છે જેણે બિન અનામત વર્ગ માટે 10 ટકા આરક્ષણની શરૂઆત કરી હતી. 67 હજારથી વધુ પરિવારોએ આ યોજનાનો લાભ લીધો છે. બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓને વિદેશ અભ્યાસ માટે રૂ.15 લાખ સુધીની લોન 4 ટકાના વ્યાજ દરે આપવામાં આવે છે.