ફરી એકવાર કરીના તથા સૈફના બીજા દીકરાના નામ અંગે વિવાદ થયો છે. કરીના કપૂરના પહેલાં દીકરા તૈમુરના નામને કારણે વિવાદ થયો હતો. સૈફ તથા કરીનાએ લાંબા સમય સુધી દીકરાનું નામ જાહેર કર્યું નહોતું. તેમણે પહેલાં એવું કહ્યું હતું કે તેમના દીકરાનું નામ જેહ છે. જોકે, હવે કરીનાની બુક ‘પ્રેગ્નન્સી બાઇબલ’ રિલીઝ થતાં જ બીજા દીકરાનું નામ જાહેર થયું છે. કરીનાના બીજા દીકરાનું નામ જેહ નહીં, પરંતુ જહાંગીર છે. ઉલ્લેખનીય છે કે કરીનાએ 21 ફેબ્રુઆરીના રોજ દીકરાને જન્મ આપ્યો હતો.
ઈન્ટરનેટ યુઝર્સને જ્યારે ખબર પડી કે સૈફ-કરીનાએ દીકરાનું નામ જહાંગીર પાડ્યું છે તો તેમણે ફરી એકવાર તેમને ટ્રોલ કરવાનું શરૂ કર્યું હતું. સો.મીડિયા યુઝર્સે સવાલ કર્યો હતો કે કરીના-સૈફ મુઘલ શાસકોની ટીમ બનાવવા માગે છે, પહેલાં તૈમુર, હવે જહાંગીર તો ત્રીજો ઔરંગઝેબ? જહાંગીર મુઘલ સમ્રાજ્યનો ચોથો સમ્રાટ હતો. તે અકબરનો દીકરો હતો. તેનું સાચું નામ સલીમ હતું. જોકે, તેને શહેનશાહ જહાંગીરના નામથી ઓળખવામાં આવે છે. તેનો જન્મ 30 ઓગસ્ટ, 1569માં થયો હતો. જહાંગીરે 22 વર્ષ સુધી ભારત પર શાસન કર્યું હતું. જહાંગીર અંગે કહેવાય છે કે તે ક્યારેક ક્રૂર તો ક્યારેક દરિયાદિલ પણ હતો. જહાંગીરે શિખ ગુરુ અર્જુન દેવને મોતની સજા આપી હતી.
જાણીતું છે કે જયારે 20 ડિસેમ્બર, 2016ના રોજ કરીના કપૂરે પહેલા દીકરાને જન્મ આપ્યો ત્યારે તેનો ગોળમટોળ ચહેરો જોઇને સૌ તેની ક્યુટનેસ પર ઓવારી ગયા હતા. પરંતુ જેવું સૈફ-કરીનાએ દીકરાનું નામ ‘તૈમુર’ છે તેવી જાહેરાત કરી ત્યારે ઇન્ટરનેટ પર પસ્તાળ પડી હતી. લોકો એ વાતે ખફા થઈ ગયેલા કે તેમણે પોતાના દીકરાનું નામ ભારત પર ચડી આવેલા ક્રૂર હુમલાખોર ‘તૈમૂર લંગ’ના નામ પરથી દીકરાનું નામ પાડ્યું છે. આ મુદ્દે ટ્રોલિંગ પણ ખુબ ચાલ્યું હતું.