તાલિબાને અત્યાર સુધીમાં અફઘાનિસ્તાનના પાંચ પ્રાંત પર કબજો કરી લીધો છે. જી હા, અફઘાનિસ્તાનમાં તાલિબાન પહેલા ગામ, બાદમાં શહેર અને જિલ્લા જ્યારે હવે પ્રાંતો પર કબજો કરવા લાગ્યું છે. ફક્ત બે જ દિવસમાં તો પાંચ પ્રાંત તાલિબાનના કબજામાં આવી ગયા હતા. જ્યારે હવે પાકિસ્તાનની મદદથી તાલિબાન અફઘાનિસ્તાનની રાજધાની કાબુલ તરફ આગળ વધી રહ્યું છે. મળતી જાણકારી અનુસાર તાલિબાનને પાકિસ્તાન તરફથી હિથયારો ઉપરાંત મેડિકલ સુવિધા પણ મળી રહી છે.
ઉત્તર અફઘાનિસ્તાન પર તાલિબાને કબજો કરી લીધો છે અને અફઘાનિસ્તાનની સરકારના ઇરાન તેમજ મધ્ય એશિયાના વ્યાપારને કટ કરી દેવામાં આવી રહ્યા છે. સપ્લાય લાઇનને તાલિબાન પોતાના કબજામાં લઇને સંપૂર્ણપણે ઠપ કરવાની તૈયારીમાં છે. સાથે જ આતંકીઓ ગમે ત્યારે કાબુલ પર કબજો કરી લેવાની ફિરાકમાં છે. બીજી તરફ અફઘાનિસ્તાનમાં રહેતા લઘુમતીઓ અને ભારતીયોને પરત ભારત આવવા સરકારે કહ્યું છે. હાલ હવાઇ મુસાફરી ચાલુ હોવાથી વહેલી તકે અફઘાનિસ્તાન છોડી દેવાની સલાહ ભારત સરકારે આ ભારતીય નાગરિકોને આપી છે. ભારત સરકાર તરફથી આ માટે દરેક પ્રકારની મદદ કરવાની પણ ખાતરી આપવામાં આવી છે.
આ સ્થિતિમાં શક્તિશાળી અમેરિકાએ પણ હાથ ઉંચા કરી લીધા છે અને કહ્યું છે કે અફઘાનિસ્તાન સૈન્ય હવે આતંકીઓનો સામનો કરે અથવા તો તાલિબાન કબજો કરી લે, અમે હવે વધુ મદદ કરી શકીએ તેવી સ્થિતિમાં નથી. અમેરિકાએ અગાઉ હવાઇ હુમલા કર્યા હતા પણ હાલ કોઇ જ વધારો આ હુમલાઓમાં નથી કરવામાં આવ્યો અને વેઇટ એન્ડ વોચની સ્થિતિમાં છે.
હા એ વાત ચોકકસ છે કે અફઘાનિસ્તાન અને પાકિસ્તાન સરહદે જે પણ તાલિબાની આતંકીઓના કેમ્પો ધમધમી રહ્યા છે તેને બંધ કરી દેવા માટે તાત્કાલીક ધોરણે અમેરિકાએ પાકિસ્તાનના અધિકારીઓને કહ્યું છે. જેમ જેમ તાલિબાન અફઘાનિસ્તાનના વિસ્તારો પર કબજો કરવા લાગ્યું છે તેમ તેમ મહિલાઓના અધિકારોને આતંકીઓ છીનવી રહ્યા છે.