ભારત: સંસદના ચોમાસુ સત્ર દરમિયાન બંને ગૃહોમાં થયેલી ધમાલે સારા પ્રદર્શનના રેકોર્ડ પર કાળું તીલ્લું લગાડી દીધું છે. રાજ્યસભાના અધ્યક્ષ વેંકૈયા નાયડુની ભાવનાત્મક અપીલની પણ સભ્યો પર કોઈ અસર થઈ નહીં. બુધવારે પણ કાગળો ફાડીને ઉછાળવામાં આવ્યા હતા. આ પછી સાંજે, રાજ્યસભાની કાર્યવાહી પણ અનિશ્ચિતકાળ માટે સ્થગિત કરવામાં આવી હતી. આ પહેલા સવારે લોકસભા પણ અનિશ્ચિતકાળ માટે સ્થગિત કરવામાં આવી હતી.
બંને ગૃહોની બેઠકો અનિશ્ચિત કાળ માટે મુલતવી રાખવાનો મતલબ એ છે કે સંસદનું ચોમાસુ સત્ર હવે સમાપ્ત થઇ જશે. 19 જુલાઇથી શરૂ થયેલું સત્ર 13 ઓગસ્ટ સુધી ચાલુ રહેવાનું હતું, પરંતુ હંગામો અને વિક્ષેપને કારણે બે દિવસ વહેલું સમાપ્ત થયું. બુધવારે પણ રાજ્યસભામાં હંગામો થયો હતો. વિપક્ષના સભ્યો વેલમાં ભેગા થયા અને સૂત્રોચ્ચાર કરવા લાગ્યા. આ દરમિયાન ઘણા સાંસદોએ કાગળો ફાડ્યા અને તેને હવામાં ઉછાળ્યા. અત્રે ઉલ્લેખનિય છે કે જ્યારે મંગળવારે રાજ્યસભામાં કૃષિ મુદ્દે ચર્ચા શરૂ થવાની હતી, ત્યારે વિપક્ષી સભ્યોના હંગામા વચ્ચે કોંગ્રેસના સાંસદ પ્રતાપ સિંહ બાજવાને રૂલ બુક સીટ તરફ ફેંકતા જોવા મળ્યા હતા.
રાજ્યસભાના નેતા અને કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે બુધવારે રાજ્યસભામાં એક નિવેદનમાં જણાવ્યું કે આજે વિપક્ષી સભ્યોના ઇરાદાઓ સંપૂર્ણ પણે જાણવા મળ્યા. તેઓએ પેનલ ચેરમેન, ટેબલ સ્ટાફ અને જનરલ સેક્રેટરી પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો. ગૃહમાં આવું વર્તન ક્યારેય સહન કરી શકાય નહીં. અમે ઇચ્છીએ છીએ કે એક ખાસ સમિતિ રચવામાં આવે, જે વિપક્ષી સભ્યોની ગેર શિસ્તની તપાસ કરે અને તેમની સામે કડક કાર્યવાહી કરે.