ભારત: જેટ ફ્યુલની કિંમતોમાં થઈ રહેલા વધારાના કારણે દેશમાં આજથી હવાઈ મુસાફરી મોંઘી થવા જઈ રહી છે. ઘરેલુ હવાઈ મુસાફરી માટે લોકોએ વધારે ચાર્જ ચુકવવો પડશે. નાગરિક ઉડ્ડયન મંત્રાલય દ્વારા ગુરુવારે રાતે હવાઈ મુસાફરીના ભાડામાં 12.5 ટકા સુધીનો વધારો કરવાનો નિર્ણય લેવાયો છે. જે આજથી લાગુ થશે. એર ટિકિટની મિનિમમ અને મેક્સિમમ એમ બંને કિંમતોમાં આ વધારો લાગુ પડશે.
સરકારે દેશમાં તમામ એરલાઈન્સની ફ્લાઈટની સંખ્યામાં 7.5 ટકાનો વધારો કરવાની પણ મંજૂરી આપી છે. જ્યારે ફ્લાઈટમાં કુલ બેઠકોની સામે 65 ટકાની જગ્યાએ હવે 72.5 ટકા મુસાફરોને બેસાડવા માટે મંજૂરી આપવામાં આવી છે. કોરોનાના કારણે અને તેના કારણે લાગુ થયેલા લોકડાઉનના કારણે હવાઈ મુસાફરી કરનારાઓની સંખ્યા ઓછી થઈ હતી. જેના પગલે એરલાઈન કંપનીઓની કમાણી પર પણ અસર પડી હતી. હવે સરકારે ભાડુ વધારવાનો નિર્ણય કર્યો હોવાથી એરલાઈન કંપનીઓને રાહત મળશે .
આ અગાઉ પણ 21 જુને પણ કેન્દ્ર સરકારે ડોમેસ્ટિક ફ્લાઈટની ટિકિટોના ભાડામાં 15 ટકા સુધીનો વધારો કર્યો હતો. કોરોનાની બીજી લહેર દરમિયાન ફ્લાઈટની સંખ્યા પણ ઘટાડીને 50 ટકા કરી દેવાઈ હતી. ટીકીટ ના ભાવ માં વધારો થતા દેશમાં આજથી હવાઈ મુસાફરી મોંઘી થવા પામી છે.