તાલિબાને કાબુલ સ્થિત રાષ્ટ્રપતિ ભવન પર કબજો કર્યો, નવા રાષ્ટ્રપતિ તરીકે મુલ્લા અબ્દુલ ગનીનું નામ હોટ ફેવરીટ

તાલિબાની આતંકીઓેએ ૧૫મી ઓગસ્ટના રોજ અફઘાનિસ્તાનની રાજધાની કાબુલ પર કબજો કરતા જ અફઘાનિસ્તાન સંપૂર્ણપણે તેના હાથમાં આવી ગયું છે. જ્યારે રાષ્ટ્રપતિ અશરફ ગની અફઘાનિસ્તાન છોડીને વિદેશ જતા રહ્યા છે. જે બાદ હાલ અફઘાનિસ્તાનમાં અફરા તફરીનો માહોલ સર્જાયો છે અને લોકો દેશ છોડી ભાગવા માટે એરપોર્ટ પર જઇ રહ્યા છે. પરિસ્થિતિ એવી છે કે એરપોર્ટના રનવે પર લોકો દોડી રહ્યા છે અને વિમાનમાં જગ્યા ન મળે તો તેના પર લટકીને પણ દેશ છોડવા માટે તૈયાર છે. એક વિડીયો માં એમ પણ જોઈ શકાય છે કે ૨ વ્યક્તિઓ ઉડતા પ્લેન માંથી નીચે પડી રહ્યા છે.ખુબ જ  હ્રદયધ્રાવક દ્રશ્યો અફઘાનિસ્તાન ના જોવા મળી રહ્યા છે.

અમેરિકાએ પહેલી મેથી પોતાનું સૈન્ય પરત બોલાવવાનું શરૂ કરી દીધુ તે બાદથી જ તાલિબાન અફઘાનિસ્તાન પર ચડાઇ કરવાનું શરૂ કરી ચુક્યું હતું, અને આ મહિનામાં એક સપ્તાહમાં જ તેણે ૧૦થી વધુ પ્રાંત પર કબજો કરી લીધો હતો. ત્યારથી જ અનેક ભારતીયો, અમેરિકનો અને અન્ય દેશના નાગરિકો દેશ છોડી પોતાના વતન પરત ફરવા લાગ્યા હતા. ૧૫મી ઓગસ્ટે તાલિબાન કાબુલમાં પ્રવેશ્યું તે સાથે જ રાષ્ટ્રપતિ અશરફ ગની પણ અફઘાનિસ્તાન છોડી અન્ય દેશ જતા રહ્યા. તેમણે બાદમાં એક ચીઠ્ઠી જારી કરીને કહ્યું કે અફઘાનિસ્તાનમાં વધુ લોહીયાળ જંગ ન થાય તે હેતુથી દેશ છોડી દીધો છે.

તાલિબાન હવે અફઘાનિસ્તાનમાં પોતાનો નેતા જાહેર કરશે અને તે સાથે જ ઇસ્લામિક શરીયત કાયદાને પણ લાગુ કરશે, જે કાયદો અગાઉ તે લાગુ કરી ચુક્યું હતું અને મહિલાઓને નોકરી કરવાથી લઇને ઘરોથી એકલા બહાર નિકળવા પર પણ પ્રતિબંધ મુકી દીધો હતો. આ કાયદો તાલિબાન દ્વારા ફરી લાગુ કરવામાં આવશે. સાથે જ અફઘાનિસ્તાનનું નામ પણ બદલવાની તૈયારી ચાલી રહી છે. જ્યારે તાલિબાની આતંકીઓ હવે મોટા ભાગના શહેરોમાં નાકાબંધી કરી રહ્યા છે અને વાહનોની ચકાસણી કરી રહ્યા છે. તાલિબાને પોતાના નવા રાષ્ટ્રપતિનું નામ જાહેર કરવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. હાલ અફઘાનિસ્તાનના નવા રાષ્ટ્રપતિ તરીકે આતંકી મુલ્લા અબ્દુલ ગની બરાદરનું નામ ચર્ચામાં છે. કંદહારના વતની અને તાલિબાનની આગેવાની લેનારા મુલ્લા અબ્દુલ ગનીએ આતંકીઓની સાથે અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ ભવન પર કબજો કરી લીધો છે અને સત્તા પોતાના હાથમાં લઇ લીધી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *