નાયબ મુખ્યમંત્રીએ પહેલાં પાણી આપવાની જાહેરાત કરી પછી આ વાત થી ફરી ગયા છે.
સિંચાઈ માટેના પાણી માટે ખેડૂતોએ વીજળી પર આધાર રાખવો પડ્યો છે. બીજી તરફ રાજ્યના જળાશયોમાં પણ માંડ 30 ટકા પાણી વધ્યું છે. ત્યારે ખેડૂતોનો પાક બચાવવા સરકાર જાહેરાત કરીને યુટર્ન લઈ રહી છે. તાજેતરમાં જ ગાંધીનગર ખાતે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પ્રેસ કોન્ફરન્સ કરીને ખેડૂતોને સિંચાઈ માટે ડેમોમાંથી પાણી આપવાની જાહેરાત કરી હતી. તેમની આ જાહેરાતથી ખેડૂતોને રાહત થઈ હતી પરંતુ ગોધરા ખાતે સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના પ્રસંગે નીતિન પટેલે યુટર્ન માર્યો હતો. તેમણે કહ્યું હતું કે વરસાદ ખેંચાયો છે. ડેમોમાં પાણી વધુ હોય તો જ સિંચાઇ માટે આપી શકાય.
નાયબ મુખ્યમંત્રીએ એવી જાહેરાત કરી હતી કે, ખરીફ પાક બચાવવા ડેમોમાંથી સિંચાઇનુ પાણી છોડવામાં આવશે. ડેમોમાં પાણી છોડવામાં આવતાં રાજ્યમાં કુલ પાંચ લાખ હેક્ટર જમીનને સિંચાઇના પાણીનો લાભ મળશે. રાજ્ય સરકારની આ ખેડૂતલક્ષી જાહેરાતને પગલે ખેડૂતો ખુશ થઇ ગયા હતાં પણ સરકારે આ મામલે ફેરવી તોળ્યુ હતું.
વરસાદ ખેંચાતા ખેડૂતોને સિંચાઈનું પાણી મેળવવા આઠ કલાકને બદલે હવે 10 કલાક વીજળી આપવાની સરકારે જાહેરાત કરી છે. ખેડૂતોએ સરકાર સમક્ષ વીજપુરવઠો લંબાવી આપવાની માંગ કરી હતી. જેથી સરકારે તેમની માંગને અનુલક્ષીને બે કલાકનો સમય વધારી આપ્યો હતો