શું તમે જાણો છો, અફઘાનિસ્તાનમાંથી ભારત માં શું થાય છે આયાત?

બંને દેશોની ભૌગોલિક નિકટતા અને ઐતિહાસિક સંબંધોને જોતાં ભારત અફઘાનિસ્તાનનું નેચરલ ટ્રેડિંગ પાર્ટનર છે અને દક્ષિણ એશિયામાં અફઘાનિસ્તાનની પ્રોડક્ટનું સૌથી મોટું માર્કેટ છે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં અહીં સૂકા મેવાની આયાતમાં તેજી આવી છે. અફઘાનિસ્તાનમાંથી ભારતને થતી નિકાસમાં 99 ટકા હિસ્સો કૃષિ અને તેની સાથે જોડાયેલી પ્રોડક્ટનો છે.

ભારત માટે અફઘાનિસ્તાન સૂકા મેવાનો એક મોટો સ્ત્રોત છે. ગૃહયુદ્ધ દરમિયાન પણ અફઘાનિસ્તાનમાં સૂકો મેવો, બદામ અને શેતૂરનું બમ્પર ઉત્પાદન થયું. સૂકા મેવાની સાથે જ અફઘાનિસ્તાનમાંથી મોટા પ્રમાણમાં સફેદ શેતૂરની આયાત કરવામાં આવે છે. સૂકા મેવામાં કિસમિસ, અખરોટ, બદામ, અંજીર, પિસ્તાં અને જરદાળુ સામેલ છે. આ રીતે જ દાડમ, સફરજન, ચેરી, તરબૂચ, હિંગ,ખજૂર અને કેસર પણ ભારતને મોકલે છે. જોકે હવે તાલિબાનના શાસનને પગલે અફઘાનિસ્તાનનો સૂકો મેવો, શેતૂર અને બદામ સહિતની વસ્તુઓની આપૂર્તિ પ્રભાવિત થશે એવી શક્યતા વધુ છે. જાણકારોના મતે તાલિબાનના સમયમાં સંબંધો પહેલાં જેવા નહીં જોવા મળે, એટલે કે આ દિવાળીએ લોકોને અફઘાની સૂકા મેવા અને બદામની ઊણપનો સામનો કરવો પડી શકે છે.

2020-21માં ભારતે અફઘાનિસ્તાનને લગભગ 6,129 કરોડ રૂપિયાની પ્રોડક્ટ્સ એક્સપોર્ટ કરી હતી, જ્યારે ભારતે 3,783 કરોડ રૂપિયાની પ્રોડક્ટ્સ ઈમ્પોર્ટ કરી હતી. અફઘાનિસ્તાનમાંથી આવતો સામાન પાકિસ્તાન થઈને વાઘા બોર્ડરથી ભારતમાં આવે છે. સાથે જ હાલમાં તેમણે ઈરાનના ચાબહાર પોર્ટના રસ્તે પણ નિકાસ કરવાનું શરૂ કરી દીધું છે, સાથે જ હવાઈ માર્ગથી પણ ભારતને ખાસ કરીને સૂકા મેવાની જરૂરિયાત પૂરી કરી શકાય છે.

દેશમાં અને ગુજરાતમાં અફઘાનિસ્તાનમાંથી કેટલાક ડ્રાયફ્રૂટ ભારતમાં આવે છે. કંદહારમાંથી મોટા ભાગે અંજીર, કાળી દ્રાક્ષ, જરદાળુ અને બદામનો સમાવેશ થાય છે. ખાસ ત્યાંના અંજીરની ગુણવત્તાના કારણે મોટી માગ રહેતી હોય છે. ઇન્ડિયન સ્પાઈસિસ ફેડરેશનના સેક્રેટરી હિરેન ગાંધીનું કહેવું છે કે વર્ષે સવા ત્રણસો કરોડના અંજીર ભારતમાં એક્પોર્ટ કરવામાં આવે છે. જોકે હાલ તાલીબાનોએ ત્યાં કબજો કરી લેતાં ફેક્ટરીમાંથી ગાડી નીકળે એવી હાલત નથી, જેને કારણે વેપારમાં ભારે અનિશ્ચિતતા સર્જાઇ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *