રણજી ટ્રોફી ૧૬ નવેમ્બરને બદલે હવે પાંચ જાન્યુઆરીથી શરુ થશે : બીસીસીઆઇ

ભારતીય ક્રિકેટની એલિટ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ ટુર્નામેન્ટ રણજી ટ્રોફીનો પ્રારંભ ૧૬મી નવેમ્બરને બદલે હવે પાંચમી જાન્યુઆરીથી થશે. બીસીસીઆઇએ અગાઉ ઘરઆંગણાનો ક્રિકેટ કાર્યક્રમ જાહેર કર્યો તે પછી સ્ટેટ એસોસિએશનોએ તેમાં ફેરફાર કરવાની માગણી કરતાં રજુઆત કરી હતી. વિશ્વભરની જેમ ભારતના ઘરઆંગણાના ક્રિકેટ પર પણ મહામારીનો પ્રભાવ જોવા મળ્યો હતો. જે પછી હવે ફરી ક્રિકેટ રિસ્ટાર્ટ થવા જઈ રહ્યું છે, ત્યારે રણજી ટ્રોફીમાં ભાગ લેનારી ૩૮ ટીમોને તૈયારીની પુરતી તક મળી રહે તે માટે સ્ટેટ એસોસિએશનોએ ટુર્નામેન્ટના કાર્યક્રમમમાં ફેરફારની માગણી કરી હતી, જેને સ્વીકારી લેવામાં આવી છે.

નવા કાર્યક્રમ અનુસાર હવે ૫ જાન્યુઆરી,૨૦૨૨થી શરૃ થનારી રણજી ટ્રોફી ૨૦મી માર્ચ, ૨૦૨૨ના રોજ પુરી થશે. જ્યારે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ ટુર્નામેન્ટના પ્રારંભ અગાઉ જ ઘરઆંગણાની ટી-૨૦ અને વન ડે ટુર્નામેન્ટ પુરી થઈ જશે. સૈયદ મુસ્તાક અલી ટી-૨૦ ટુર્નામેન્ટ તારીખ ૨૭મી ઓક્ટોબરથી લઈને ૨૨ નવેમ્બર દરમિયાન રમાશે. જ્યારે વિજય હઝારે ટ્રોફી વન ડે ટુર્નામેન્ટ તારીખ ૧ ડિસેમ્બરથી શરૃ થશે અને ૨૯મી ડિસેમ્બરે તેની ફાઈનલ રમાશે.

મહિલાઓની વન ડે ક્રિકેટ ટુર્નામેન્ટ ૨૧ સપ્ટેમ્બરને બદલે ૨૦મી ઓક્ટોબરથી શરૃ થશે. આ પછી ચાર ટીમની ચેલેન્જર ટ્રોફીનું આયોજન થશે. વર્ષ ૨૦૨૨માં ન્યૂઝિલેન્ડમાં મહિલાઓનો વર્લ્ડ કપ રમાવાનો હોવાથી ભારતીય ખેલાડીઓને વધુ પ્રેક્ટિસ મળી રહે તે આશયથી આ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. સી.કેે.નાયડુ ટ્રોફી ટુર્નામેન્ટ આ વખતે અંડર-૨૩ને બદલે અંડર-૨૫ માટે રમાશે. જેના કારણે મહામારીને કારણે પ્રતિભાશાળી ખેલાડીઓને તેમનું કૌશલ દેખાડવાની તક મળી રહે. આ ટુર્નામેન્ટ ૬ જાન્યુઆરીથી ૨ એપ્રિલ દરમિયાન યોજાશે.

રણજી ટ્રોફીના ફોર્મેટમાં ફેરફાર : ખેલાડીઓ ચિંતિત

રણજી ટ્રોફીના નવા ફોર્મેટ અનુસાર ૩૮ ટીમોને છ ગૂ્રપમાં વહેંચવામાં આવી છે. જેમાંથી પાંચ ગૂ્રપ એલિટ કેટેગરીના છે, જેમાં છ-છ ટીમો છે. જ્યારે પ્લેટ ગૂ્રપમાં આઠ ટીમો સામેલ છે. એલિટ ગૂ્રપમાં ટોચનું સ્થાન ધરાવતી પાંચ ટીમો સીધી ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશશે. જ્યારે પાંચ એલિટ ગૂ્રપમાં બીજું સ્થાન મેળવનારી ટીમો પ્લેટ ગૂ્રપની ટોચની ટીમ ત્રણ પ્રિ-ક્વાર્ટર ફાઈનલ રમશે અને તેના વિજેતા ક્વાર્ટર ફાઈનલમાં પહોંચશેે. એક પ્રકારે આ ફોર્મેટ રણજી ટ્રોફીને વધુ સ્પર્ધાત્મક બનાવશે, તો બીજી તરફ તેનાથી ટોચની ટૂીમોને નુકસાન પણ છે. અગાઉ ટીમોને ત્રણ એલિટ ગૂ્રપ અને એક પ્લેટ ગૂ્રપમાં વહેંચવામાં આવતી હતી. જેના કારણે એલિટ ટીમોને ગૂ્રપ સ્ટેજમાં આઠ અને પ્લેટ ગૂ્રપની ટીમોને ગૂ્રપ સ્ટેજમાં નવ ફર્સ્ટ ક્લાસ મેચો રમવા મળતી. હવે જો એલિટ ગૂ્રપની ટીમોને પાંચ જ ગૂ્રપ મેચો રમવા મળશે, જેના કારણે ખેલાડીઓની કમાણી ઘટશે. જો બોર્ડે ખેલાડીઓની મેચ ફીમાં વધારો કરે તો તેમને રાહત મળી શકે છે.

દરેક ટીમે ડોક્ટરની નિમણૂંક કરવી પડશે

બીસીસીઆઇએ રાજ્યના એસોસિએશનોને કરેલા ઈ-મેલમાં જણાવ્યું છે કે, દરેક ટીમોમાં ૩૦થી વધુ સભ્યો હોવા ન જોઈએ. જેમાંથી ૨૦ ખેલાડીઓ રહેશે. જ્યારે સપોર્ટ સ્ટાફમાં માત્ર ૧૦ જ વ્યક્તિ રહી શકશે. આ ઉપરાંત દરેક ટીમે કોરોના સંબંધિત પ્રશ્નો માટે એક ડોક્ટરની નિયુક્તિ ફરજીયાતપણે કરવાની રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *