શનિવારે અફઘાનિસ્તાનની સંસદના બે લઘુમતી સભ્યો સહિત ૭૨ અફઘાન શીખો અને હિન્દુઓને ભારત આવતા રોક્યા હતા. બીજીબાજુ તાલિબાનોએ કાબુલ એરપોર્ટ તરફ જઈ રહેલા ભારતીયો સહિત ૧૫૦થી વધુ લોકોનું અપહરણ કર્યું હતું અને તેમના દસ્તાવેજો તપાસ્યા પછી તેમને છોડી મૂક્યા હતા. દરમિયાન શનિવારે ૮૦ ભારતીયો એરફોર્સના વિમાનમાં કાબુલથી સ્વદેશ પરત ફર્યા છે.
તાલિબાનોના ભાવી શાસનના ડરથી ૭૨ અફઘાન શીખો અને હિન્દુઓનું એક જૂથ ૧૨ કલાક કરતાં વધુ સમયથી કાબુલ એરપોર્ટ બહાર ભારત પરત ફરવા માટે રાહ જોઈ રહ્યું હતું. ભારતીય એરફોર્સનું વિમાન એરપોર્ટ પર પહોંચતા તેઓ વિમાનમાં બેસવા જતાં તાલિબાનોએ તેમને અટકાવ્યા હતા અને કહ્યું કે તેઓ અફઘાન નાગરિકો હોવાથી તેમને દેશ છોડવાની કોઈ જરૂર નથી. તેમણે શીખો અને હિન્દુઓને પાછા ફરવા જણાવ્યું હતું. આથી, ભારતીય એરફોર્સનું વિમાન ૮૦ ભારતીયોને લઈને કાબુલથી રવાના થયું હતું. આ જૂથે કાબુલમાં ગુરુદ્વારા દશ્મેશ પિતા ગુરુ ગોવિંદસિંહજી કરતે પરવાનમાં આશરો લીધો છે. તેઓ સહી સલામત છે.
હવે આ શીખો અને હિન્દુઓને ભારત પરત લાવવા માટેનો એકમાત્ર માર્ગ તાલિબાનો સાથે વાટાઘાટો કરવાનો છે. તાલિબાનોએ અફઘાનિસ્તાન પર કબજો કર્યા પછી ૨૮૦ અફઘાન શીખો અને ૩૦-૪૦ હિન્દુઓના જૂથે કાબુલમાં કરતે પરવાન ગુરુદ્વારામાં આશ્રય લીધો છે. તાલિબાનોએ તેમને શાંતિ અને સલામતીની ખાતરી આપી છે. પરંતુ તાલિબાનોના શાસન અંગે હજી પણ તેઓ આશંકિત છે. અફઘાન શીખો અને હિન્દુઓ અફઘાનિસ્તાનના નાગરિક હોવાથી તાલિબાનોએ તેમને રોક્યા છે.