પેસિફિક મહાસાગરમાં ભારત ઉપરાંત જાપાન, ઓસ્ટ્રેલિયા અને અમેરિકાની નેવી યુદ્ધ કવાયત કરશે

પેસિફિક મહાસાગરમાં આવેલા ગુઆમ નામના નાનકડા ટાપુના દરિયા કિનારા પાસે આગામી 26 ઓગસ્ટથી 29 ઓગસ્ટ સુધી ચાર ક્વોડ રાષ્ટ્રો એટલે કે અમેરિકા, ભારત, જાપાન અને ઓસ્ટ્રેલિયાના નેવીની મલબાર નેવી એક્સરસાઇઝ તરીકે ઓળખાતી હાઇવોલ્ટેજ સંયુક્ત યુદ્ધ કવાયત યોજાશે.

ઇન્ડો-પેસિફિક વિસ્તારમાં ચીન તેની લશ્કરી દાદાગીરી વધારી રહ્યું છે એવા સમયે બીજીવાર મલબાર નેવી એક્સરસાઇઝ યોજાઇ રહી છે જેના કારણે ચીનના પેટમાં જરૂર તેલ રેડાશે. ભારતના નેવીની સ્ટિલ્ધ ફ્રિગેટ આઇએનએસ શિવાલિક અને સબમરિન વિરોધી આઇએનએસ કાડમત નામનું જહાજ આ કવાયતમાં ભાગ લેવા શનિવારે યુઆમ ખાતે આવી પણ પહોચ્યું છે. ઉલ્લેખનીય છે કે પશ્ચિમ પેસિફિકમાં આવેલો ગુઆમ અમેરિકાની માલિકીનો એક નાનો ટાપુ પ્રદેશ છે.

આ અત્યંત હાઇવોલ્ટેડજ ગણાતી યુદ્ધ કવાયતમાં ભારતની નેવી તેની શ્રેષ્ઠતમ તાકાતનું પ્રદર્શન કરશે જેમાં તેના ડિસ્ટ્રોયર જહાજો, હેલિકોપ્ટરો અને સબમરિન વિરોધી જહાજો અને ફ્રિગેટ તેઓની ક્ષમતાનું પ્રદર્શન કરશે એમ ભારતીય નેવીના પ્રવક્તા કમાન્ડર વિવેક માધવાણીએ કહ્યું હતું. આ કવાયત દરમ્યાન પાણીની સપાટી ઉપરથી હવામાં પ્રહાર કરતી વિવિધ ફાયરિગ ડ્રીલ અને પાણીની અંદર રહેલી સબમરિનને કેવી રીતે બચાવી લેવી તે ડ્રીલ પણ યોજાશે એમ તેમણે ઉમેર્યું હતું.

પેસિફિક મહાસાગર ઉપર પ્રભુત્વ મેળવવા ચીન દ્વારા દર્શાવવામાં આવતી સક્રિયતાને ધ્યાનમાં લેતાં અમેરિકા, જાપાન, ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચે નેવીનો સહકાર વધે અને પેસિફિક મહાસાગરના દેશોમાં રહેલાં પોતાના હિતોનું રક્ષણ થાય તે માટે આ યુદ્ધ કવાયત યોજાઇ રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *